Gujarat

ડભાણ બસ સ્ટેન્ડ પાસે હૃદય રોગનો હુમલો આવતા કાર ચાલકનું મોત

By GS TEAM
17 Jun 20251 min read
ડભાણ બસ સ્ટેન્ડ પાસે હૃદય રોગનો હુમલો આવતા કાર ચાલકનું મોત

- નડિયાદ જૂના ડુમરાળ રોડ વિસ્તારમાં રહેતા હતા

- પ્રાંતિજ તાલુકાના રહીશ મહેળાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા

નડિયાદ : નડિયાદ જૂના ડુમરાલ રોડ પર નીલકંઠ મહાદેવ વિસ્તારમાં રહેતા પ્રાંતિજ તાલુકાના ઘડીના યુવકનું હૃદય રોગનો હુમલો આવતા કારમાં જ મૃત્યુ થયું હતું. મૃતક મહેળાવ પ્રા. શાળાના શિક્ષક હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ જુના ડુમરાલ રોડ પર નીલકંઠ મહાદેવ પાસે કૈલાશધામ સોસાયટીમાં રહેતા મુળ પ્રાંતિજ તાલુકાના ઘડી ગામના નિલેશભાઈ કાંતિભાઈ પટેલ (ઉંમર વર્ષ ૪૧) આજે સવારે પોતાની કાર લઈને ડભાણ નજીકથી પસાર થતા હતા. ત્યારે અચાનક તેમની છાતીમાં દુઃખાવો થતાં તેમણે પોતાની કારને સવસ રોડ પર ઊભી રાખી હતી. તેઓનું સારવાર મળે તે પહેલા જ હૃદય રોગનો હુમલો આવતા કારમાં જ મોત નિપજ્યું હતું. નિલેશભાઈ મહેળાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા પોલીસમાં જાણ કરતા નડિયાદ ગ્રામ્ય પોલીસે તુરંત જ ઘટના સ્થળે દોડી આવી મૃતકના સંબંધીઓને જાણ કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ સમીતભાઈ કાંતિભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ આપતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.