રોડના ખાડામાં પટકાતાં કાર કાંસમાં ખાબકી : બે યુવકો ગંભીર
- ડાકોર- મહુધા હાઈવે પર બોરડી પાસે
- કારનો કચ્ચરઘાણ : વસ્ત્રાલના 5 યુવકો ડાકોર દર્શન કરી પરત જતા હતા
અમદાવાદના વસ્ત્રાલથી પાંચ યુવાનો યશ પટેલ, યશ કિર્તિભાઈ પટેલ, પાર્થ પટેલ, ક્રિશ પટેલ અને મહિપાલ પટેલ કારમાં ડાકોર મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કર્યા બાદ સવારના સાતેક વાગ્યાની આસપાસના સુમારે પાંચેય યુવાન કારમાં અમદાવાદ પરત જવા નીકળ્યા હતા.
દરમ્યાન તેઓની કાર ડાકોર-મહુધા હાઈવે ઉપર બોરડી ગામ પાસેથી પસાર થતી હતી. ત્યારે કાર રસ્તા ઉપરના ખાડામાં પટકાતા ચાલકે સ્ટિટરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કાંસમાં ખાબકી હતી. અકસ્માતમાં ક્રિશ પટેલ અને મહિપાલ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે યશ પટેલ, યશ કિર્તિભાઈ પટેલ અને પાર્થ પટેલને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસમાંથી સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે ઉમટયા હતા. ૧૦૮ની મદદથી પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને પાંચેય યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.