પંચમહાલના શહેરા-ગોધરા હાઇવે પર કારમાં ભીષણ આગ, પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ

Car Catches Fire in Panchmahal: પંચમહાલ જિલ્લામાં શહેરા-ગોધરા હાઇવે પર ગમખ્વાર ઘટના બની હતી, જેમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, કારમાં સવાર પાંચ વ્યક્તિઓની સમયસૂચકતાના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શહેરાની વાઘજીપુર ચોકડી નજીક બની હતી. એક કાર મોડાસા તરફથી હાલોલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન અગમ્ય કારણોસર કારના એન્જિનમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. કારમાં આગ લાગવાની જાણ થતાં જ કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓએ તુરંત જ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી જ વારમાં આગે સંપૂર્ણ કારને લપેટમાં લઈ લીધી હતી અને આખેઆખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: મોરબીના હળવદમાં ચકચારી ઘટના, માથું અને હાથ કપાયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
સદનસીબે, કારમાં સવાર તમામ વ્યક્તિઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, પરંતુ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પ્રાથમિક તબક્કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ-સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.