ભુજ- ખાવડા ધોરીમાર્ગે જીવલેણ અકસ્માતથી વાહનોની કતાર
35 વર્ષથી ભેંસોની દલાલી કરતા રૂપાભાઈના અવસાનના પગલે માલધારીઓમાં ઘેરો શોકઃ ભેંસોના વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી
અકસ્માતના આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, અંજાર તાલુકાના સતાપર ગામના રૂપાભાઈ રવાભાઈ આહિર(૫૫) અને અંતરજાળ ગામના રામાભાઈ હીરાભાઈ આહિર(૪૫) બંને જણા સુમરાસર ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર કીયા કારમાં બપોરના ૩.૩૦ કલાકના અરસામાં રૂદ્રમાતા બોર્ડર વીંગ સેન્ટર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સુદામા વાસ નજીક પહોંચતા સામેથી આવી રહેલી બોલેરો ટેન્કર સાથે સામસામે અથડાતા બંને જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને જણાને સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા રૂપાભાઈ રવાભાઈ આહિરનું મૃત્યું નિપજયું હતું. જયારે રામાભાઈની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મૃતક રૂપાભાઈના દિકરા મહેશભાઈએ પોલીસને અકસ્માત અંગે જાણ કરી વધુ વિગતો જણાવી હતી. અકસ્માતના પગલે રોડની બંને બાજુએ વાહનોની કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માતના આ બનાવે આ વિસ્તારમાં વધુ ચિંતા જગાવી હતી.
રૂપાભાઈ ૩૫ વર્ષથી ભેંસોની દલાલી કરતા હતા ઃ ત્રણ ભેંસો ખરીદ્યા બાદ બીજી ભેંસો ખરીદવા સુમરાસર જતા હતા
અકસ્માતની આ ઘટનાનો ભોગ બનેલા રૂપાભાઈ છેલ્લા ૩૫ વર્ષથી ભેંસોની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આજરોજ તેમણે સુમરાસર ખાતેથી ૩ ભેંસોની ખરીદી કરી હતી. ત્યારબાદ ભુજ આવ્યા હતા અને ચા નાસ્તો કરીને વધુ ભેંસો ખરીદવા તેઓ અંતરજાળના ભેંસોના વેપારી રામાભાઈને લઈને સુમરાસર જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
બોલેરોએ ટ્રેલરને ઓવરટેક કરતા કાર અકસ્માતનો ભોગ બની
સ્થાનિકેથી લોકોએ જણાવ્યું હતું કે, ભુજ તરફ જઈ રહેલ ૧ હજાર લીટરની ક્ષમતા વાળા બોલેરો ટેન્કરે ટ્રેલરને ઓવરટેક કરવા જતા ભુજથી આવી રહેલી કિયા કાર સાથે અથડાતા કાર અકસ્માતનો ભોગ બની હતી. કાર સાથે બોલેરોની જોરદાર અથડામણ થતા કારની એરબેગ ખુલી ગઈ હતી.
બોલેરો, ટેન્કરનો ઉપયોગ ગેરકાયદે બાયોડીઝલની હેરફેરમાં?
કાર સાથે અકસ્માત સર્જનાર બોલેરો ટેન્કરની ક્ષમતા ૧ હજાર લીટરની છે. તેમાં બાયોડીઝલની હેરાફેરી થતી હતી. બાયોડીઝલ માધાપર સર્કલથી ભરાયો હતો અને આગળ કયાં ખાલી કરાવાયો હતો તે તપાસનો વિષય છે.
ભુજ તા.પં.ના સદસ્ય ઈજાગ્રસ્તોને પોતાના વાહનમાં હોસ્પિટલે ખસેડયા
રૂદ્રમાતા પાસે બપોરે સર્જાયેલા અકસ્માતના આ બનાવ વખતે ત્યાંથી પસાર થતાં આહિર અગ્રણી- ભુજ તાલુકા પંચાયતના સદસ્ય અને કોટાય ગામના વતની લખમણભાઈ બતા (ભુરાભાઈ આહિર)એ ઈજાગ્રસ્તોના જીવ બચાવવા સમયની કિંમત સમજીને પોતાની સ્કોર્પીયો કારમાં બેસાડીને હોસ્પિટલ ખસેડયા હતા.
ટ્રેલરોની પાછળ રેડીયમ લગાડવી આવશ્યક
તા.પં.ના સદસ્ય ભુરાભાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતના બનાવોને અટકાવવા માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસે કેમ્પ યોજીને ટ્રેલરોની પાછળ રેડીયમ લગાવવી જોઈએ જેથી કરીને રાત્રીના સમયમાં અકસ્માતોના બનાવોને અટકાવી શકાય.


