Get The App

આંબલી નજીક કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવાર બેના ઘટનાસ્થળે મોત

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
આંબલી નજીક કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવાર બેના ઘટનાસ્થળે મોત 1 - image

- ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

- અકસ્માત બાદ કાર પલટી મારી ગઇ : કારમાં સવાર એક મહિલાને ઇજા : મૃતક ધોળકાના સરગવાળા ગામના વતની

બગોદરા : ધોલેરા નજીક ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બે બાઇક સવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર એક મહિલાને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર આંબલી ગામ નજીક ભાવનગર તરફથી આવી રહેલી એક કારે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ હવામાં ફંગોળાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બીજી તરફ, અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર એક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર ભગવાનભાઈ શંકરભાઈ સોલંકી અને રમેશભાઈ જેરામભાઈ પ્રજાપતિ બંને યુવકો ધોળકા તાલુકાના સરગવાળા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પીપળી ૧૦૮ એમ્બ્યુલન્સ અને ધોલેરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.