કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

વડોદરા, તા.7 વાઘોડિયા તાલુકાની હોસ્પિટલમાં સંબંધીની ખબર જોવા જતી વખતે બાઇકને પૂરપાટઝડપે જતી કારે ટક્કર મારતા ૧૩ વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું જ્યારે તેની માતા અને પિતરાઇ ભાઇને ઇજા થઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ત્રિકમપુરા ખાતે રહેતા બિમલભાઇ તેરસિંગ ભીલાલાની પત્ની રામકોરબેન, પુત્ર સંજય તેમજ સાળાનો પુત્ર અરૃણ ત્રણે ત્રિકમપુરાથી હાલોલ તાલુકાના કંબોલા વસાહતમાં રહેતા કાકા સસરા બંસીલાલ ભીલાલાના ઘેર ગયા હતાં. ત્યાંથી બાઇક લઇને તેઓ લીમડા ગામ ખાતેની હોસ્પિટલમાં દાખલ સંબંધીની ખબર જોવા માટે નીકળ્યા હતાં.
બાઇક અરૃણ ચલાવતો હતો જ્યારે તેની પાછળ રામકોરબેન અને પુત્ર સંજય બેઠા હતાં. તેઓ ગુતાલ-રામેશરારોડ પરથી પસાર થતા હતા ત્યારે રામદેવપુરના નવા મંદિર સામે એક કારે બાઇકને ટક્કર મારતા ત્રણે રોડ પર ફંગોળાયા હતાં. આ ઘટનામાં સંજયનું મોત નિપજ્યું હતું જ્યારે રામકોરબેન અને અરુણને ઇજા થતાં બંનેને સારવાર માટે ખસેડાયા છે. વાઘોડિયા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.








