- મનપા કચેરીએ કમિશનરને 7 મુદ્દા સાથેનું આવેદનપત્ર આપ્યું
- સમસ્યાનો ઝડપી નિકાલ નહીં આવે તો વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધની ચિમકી : પાણી, લાઈટ, સફાઈની સમસ્યા ત્વરિત અને રસ્તાનો પ્રશ્ન મહિનામાં હલ કરવાની તંત્રની હૈયાધારણા
આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પાસે તુલસી ગરનાળા વિસ્તારની ૩૦થી વધુ સોસાયટીના રહીશોએ તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો, સફાઈના અભાવ, દૂષિત પાણી, મચ્છરનો ઉપદ્રવ, સ્ટ્રીટલાઈટ જેવી સમસ્યાઓથી કંટાળ્યા છે. કરમસદ આણંદ મહાપાલિકાની રચના થયાના ૧૦ મહિના થઈ ગયા છે ત્યારે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનું સમાધાન કરાતું નથી. ત્યારે આજે વિસ્તારની મહિલાઓ સહિતના સ્થાનિક રહીશોએ મિણબત્તી લઈને રેલી કાઢી મનપા કચેરીએ પહોંચ્યા હતા. વિસ્તારની સમસ્યાઓના ઉકેલ માટે મ્યુનિ. કમિશનરને સાત મુદ્દાઓની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.
કરમસદ આણંદ મનપાના કમિશનર મિલિન્દ બાપનાએ ગંદકી, પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ અને સફાઈની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી. જ્યારે રસ્તા અને ગટરની સમસ્યામાં એક મહિના જેટલો સમય થશે તેમ જણાવ્યું હતું. સ્થાનિકોએ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારતા મ્યુનિ. તંત્ર હવે દાડતું થયું છે. આવનારા સમયમાં સમસ્યાઓ ઉકેલાશે કે કેમ તે અંગે સૌની નજર છે.
કઈ સોસાયટીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત ?
તુલસી ગરનાળા વિસ્તારની આકાશ ટાઉન-૧ અને ૨, આકાશવાટિકા- ૧થી ૪, તોરણ પાર્ક, સરગમ પાર્ક, પ્રીતિ બંગલો, એડન પાર્ક, સંકલ્પ સોસાયટી, કલા સોસાયટી, પહેલવીલા, પ્રતિયોગી સોસાયટી, હાદક સોસાયટી, કૈલાશ પાર્ક, અંબે નગર, પોસ્ટલ કોલોની, રસિક કોલોની, બેથેલ પાર્ક, નવરંગ સોસાયટી, કાશીબા સોસાયટી, વૈદ નિવાસ, ગોદાવરી સોસાયટી, હરિગંગા સોસાયટી, કૃષ્ણનગર, ખ્રિસ્તી ફળિયું, અંબાલાલ પાર્ક વગેરે સોસાયટીઓનો સમાવેશ થાય છે.
કઈ સોસાયટીના અગ્રણીઓ આવેદનપત્ર આપવા ગયા?
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપવા માટે હર્ષિલ દવેની આગેવાનીમાં આકાશવાટિકાના રીંકુબેન રાઠોડ, સરગમ પાર્કના શાંતિલાલ પટેલિયા, આકાશ પાર્કના રવીનાબેન, આકાશ ટાઉન-૧ના રમેશભાઈ મેકવાન, નવરંગ સોસાયટીના સરોજબેન ભાટિયા સહિત અન્ય સોસાયટીના આગેવાનોએ એકત્ર થઈને મનપાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં કયા સાત મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો
૧. તુલસી ગરનાળાની અંદરના રસ્તાઓ બિસ્માર છે. મનપા રેલવે વિભાગને પત્ર લખી રોડની મરામત કરાવાય.
૨. ઘણા વિસ્તારમાં ગટર લાઈન ઉપલબ્ધ નથી, જ્યાં છે ત્યાં વારંવાર ઉભારાય છે. ગટર વ્યવસ્થા સુદ્રઢ કરાવવી.
૩. નિયમિત સભાઈ નહીં થતા ગંદકી, દુર્ગંધ ફેલાયેલી છે. નિયમિત સફાઈ સુનિશ્ચિત કરાવવી.
૪. સ્ટ્રીટલાઈટ ઓછા પ્રમાણમાં હોવાથી અંધારાના કારણે ક્રાઈમ થવાની શક્યતા છે.
૫. પાણીનું દબાણ પૂરતું મળતું નથી. પાણી ફોર્સથી મળે તેની તકેદારી લેવાય.
૬. રસ્તાની બંને બાજુ ઝાડી- ઝાંખરા, ગંદકીના ઢગલા. સ્વચ્છતા અને વાહન વ્યવહારમાં મુશ્કેલીનું નિવારણ કરવું.
૭. જીયુડીસીએ રસ્તો સમથલ ન કરતા વાહન ચલાવવું મુશ્કેલી બન્યું છે. રસ્તો સરફેસ કરાવવો.


