Get The App

'GPSCમાં દાસાકાળ નહીં આવે', વર્ગ 1-2ના પરિણામ બાદ નારાજ ઉમેદવારોનો હસમુખ પટેલ પર આક્રોશ

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
'GPSCમાં દાસાકાળ નહીં આવે', વર્ગ 1-2ના પરિણામ બાદ નારાજ ઉમેદવારોનો હસમુખ પટેલ પર આક્રોશ 1 - image


GPSC Class 1-2 Results: પોલીસ ભરતી બોર્ડમાં રહીને શ્રેષ્ઠ કામગીરી કરવાની વાહવાહી લૂંટનાર પૂર્વ IPS અને GPSCના ચેરમેન હસમુખ પટેલને હવે વર્ગ 1-2ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉપેક્ષાઓ, ફરિયાદો અને અન્યાયની કોમેન્ટોનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેરાત ક્રમાંક 20/2022-23, Gujarat Administrative Service, Class-I; Gujarat Civil Services, Class-I & II and Gujarat State Municipal Chief Officers’ Service, Class-IIનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવે જે હસમુખ પટેલને પોલીસ ભરતી વખતે વાહવાહી કરવામાં આવતી એજ ઉમેદવારોના આક્રોશનો ભોગ બની રહ્યા છે.

વિશાલ નામના એક ઉમેદવારે તો ત્યાં સુધી આક્રોશ ઠાલવ્યો કે, 'મેં કહ્યુ હતું ને મિત્રો, આ સાહેબ નલિનકાકા ( (પૂર્વ GPSCના ચેરમેન નલીન ઉપાધ્યાય) ) ને સારા કેવડાવશે જોઈ લ્યો હવે ઇન્ટરવ્યુના માર્ક. હવે બીજા દાસાકાળ (પૂર્વ GPSCના ચેરમેન ડૉ. દિનેશ દાસા) મળવો તો ભૂલી જાવ હવે નલીનકાકા જેવો સમય પણ નસીબમાં નથી. આ મુદ્દે બે વખત હસમુખ પટેલને ફોન કરીને અને SMS કરીને પૂછ્યું હોવા છતાં તેમના દ્વારા કોઈ ઉત્તર કે પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.'

પરિણામ જાહેર થતાં નારાજ થયેલા એક ઉમેદવાર વિનોદ સોલંકીએ આક્રોશ ઠાલવ્યો કે, 'વર્ગ 1-2ની પરીક્ષાના પરિણામ પરથી એવું લાગે છે કે મેઈન્સના ભલે 900 માર્કસ હોય છતાં અંતિમ પરિણામ ઈન્ટરવ્યુના માર્કસ પર જ નિર્ભર રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ઘણાં ઉમેદવારો મેઇન્સમાં 410 પ્લસ લાવ્યા અને ઈન્ટરવ્યુમાં માત્ર 20-30 જ મળ્યા. કેવી રીતે વવ્યક્તિત્વ પરિક્ષણ થયું કઈ સમજાતું નથી?'

આ ઉપરાંત એક ઉમેદવારે ફરિયાદ કરી કે, 'આ પરિણામનું એકવાર વિશ્લેષણ કરવાની જરૂર છે મુખ્ય પરીક્ષામાં 417 લાવવા વાળો વિદ્યાર્થી ફાઈનલમાં ફેલ છે અને મુખ્ય પરીક્ષામાં 315 લાવવા વાળો વિદ્યાર્થી સિલેક્ટ થયો છે. તો આટલું બધું તફાવત કઈ રીતે હોઈ શકે? બની શકે બંનેની કેટેગરી અલગ હોય તો પણ આ એક વિસંગતતા જ છે.'

Tags :