Get The App

સેંકડો વર્ષ પહેલા સોમનાથનો યાત્રાવેરો રદ કર્યો,આજે રૂ।. 410 તગડો ટોલટેક્સ

- ગરીબો યાત્રા કરી શકે તેથી રાજવી સિધ્ધરાજ જયસિંહે

- રાજકોટથી સોમનાથ 4 ટોલનાકા પર દર કિલોમીટરે સરેરાશ રૂ।.2નો વધારાનો વેરો

Updated: Jan 27th, 2021

GS TEAM

Google News
Google News
સેંકડો વર્ષ પહેલા સોમનાથનો યાત્રાવેરો રદ કર્યો,આજે રૂ।. 410 તગડો ટોલટેક્સ 1 - image


રાજકોટ, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર

આશરે ૯૦૦ વર્ષ પહેલાની જાણીતી કથા વાર્તા છે. ત્યારે સોરઠમાં, ગુજરાતમાં  સિધ્ધરાજ જયસિંહ રાજવીનો સીતારો ચમકતો હતો. એ વખતે સોમનાથની જાત્રા કરવા માટે યાત્રા વેરો વસુલાતો હતો પણ પ્રજાવત્સલ મીનળદેવી જાત્રાએ ગયા ત્યારે વેરાના ભારણને લીધે યાત્રા નહીં કરી શકતા ગરીબોની વેદના તેમણે જોઈ અને સંવેદનશીલ હૃદયે તે અનુભવી, તેણે રાજાને કહ્યું અને રાજાએ તુરંત આ વેરો નાબુદ કર્યો. હવે સમય બદલાઈ ગયો છે, પરંતુ, સૌરાષ્ટ્ર મધ્યે મહાનગર રાજકોટથી   સોમનાથ મહાદેવના દર્શન કરવા કોઈ સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર પોતાની કારમાં જાય તો ચાર ટોલનાકા પર આવતા-જતા કૂલ રૂ।.૪૧૦નો ટોલટેક્સ  વસુલાય છે જે ભરતી વખતે ઉપરોક્ત વાર્તા યાદ આવી જાય છે. 

સામાન્ય પરિવારના ચાર-પાંચ સભ્યો પેટ્રોલના માંડ રૂ।.૨૦૦૦નો વેંત કરીને જાય ત્યારે ઘણા રસ્તામાં બહારનું ખાવા-પીવાનો ખર્ચ ટાળવા ઘરેથી જમવાનું લઈ જાય છે. આશરે રૂ।.૨૦૦૦ના પેટ્રોલમાં રૂ।.૧૦૦૦ કરતા વધુ વેરો તો ઓલરેડી વસુલાય જ જાય છે. ઉપરાંત કારનો વિમો ઉતારવા, કાર પાસિંગ વખતે રોડ ટેક્સ સહિતના અનેક ટેક્સીસ તો ભરાયેલા જ હોય છે ત્યારે આ ટોલટેક્સ જેઓ આજના નેતાઓ જેવા ઝડપથી કરોડપતિ થયેલા નથી અને દસ-પંદર રૂ।.ની પાણીની બોટલનો ખર્ચ કરવો પડે તો બોટલ ફેંકી દેવાને બદલે રિયુઝ કરે છે તેમને અસહ્ય લાગે છે. 

લોકો સમજદાર  છે, ટેક્સ વગર વિકાસકામ ન થાય તે સમજે છે પણ કેટલો ટેક્સ? આખા વિશ્વમાં ક્રૂડના ભાવ ગગડયા છતાં અસહ્ય વેરા બોજ વધારાતા આજેય લોકો નાછૂટકે આ વેરો તો ચૂકવે જ છે. વળી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ સ્ટેટ હાઈવે પર તો ટોલટેક્સ નાબુદ કર્યો પણ નેશનલ હાઈવે કે જે સ્ટેટમાં જ પસાર થાય છે તેના પર તગડો વેરો જારી જ છે. 

રાજકોટથી સોમનાથના દર્શન કરવા કારમાં નીકળો એટલે ગોંડલ પહેલા જ ભરુડી ટોલનાકા, પછી  જેતપુર પાસે પીઠડીયા ટોલનાકા, પછી ગડોઈ અને ડારી ટોલનાકા એમ ચાર ટોલનાકા પર આવવા જવાના રૂ।.૪૧૦ વસુલાય છે. એક કિલોમીટર વાહન હંકારો એટલે રૂ।.૨નો ટેક્સ! અને પેટ્રોલ જો ન્યુનત્તમ ટેક્સથી રૂ।.૪૦માં વેચાતું હોય તો લોકો સહન પણ કરી શકે પરંતુ, પેટ્રોલ વળી રૂ।.૮૩નું લિટર મળે. ડીઝલ પણ રૂ।.૮૨એ પહોંચાડી દેવાયું છે.  ગંભીર વાત તો એ છે કે આ ટોલટેક્સ રોડ બાંધવા માટે લેવાતો હોય તો રાજકોટની બહાર નીકળો કે છેક સોમનાથ સુધી ઠેરઠેર રસ્તા પર ગાબડાં પડયા છે, રસ્તો અનેક જગ્યાએ જર્જરિત છે. રસ્તો મેઘરાજા બગાડતા નથી પણ વરસાદને સહી ન શકે તેવા નબળા કામથી તે ધોવાય છે.

Tags :