Gujarat

સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ દ્વારા કરવા ઠરાવનો અમલ રદ કરો

By GS TEAM
19 Jul 20252 mins read
સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ દ્વારા કરવા ઠરાવનો અમલ રદ કરો

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં ૩૧ સ્મશાનોનું આઉટ સોર્સિંગથી સંચાલન કરવાનો ઠરાવ કરાયા બાદ તેનો અમલ શરૃ કરાયો છે, જે સામે વિરોધ થતા ઠરાવ અમલ રદ કરવા રજૂઆત થઈ છે.

મ્યુનિ. કમિશનરને આ અંગે રજૂઆત કરનાર માંજલપુરના ધારાસભ્યે કહ્યું છે કે, શહેરની કેટલીક સંસ્થાઓ ખાસવાડી, વડીવાડી, રામનાથ, માંજલપુર, નિઝામપુરા અને છાણીમાં આવેલ સ્મશાનોનો વર્ષોથી સારી રીતે તેઓના સ્વખર્ચે વહીવટ કરતા હતા. હવે આ વહીવટ કોર્પો.એ નિયુક્ત કરેલા ઈજારદાર દ્વારા કરવામાં આવશે, પણ ખર્ચ વડોદરા કોર્પોરેશન ભોગવશે. લોકોના મનમાં એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે, જે સંસ્થાઓ વિનામૂલ્યે સ્મશાનની તમામ સુવિધાઓ આપતા હોય તો તેઓ પાસેથી સ્મશાનો ચલાવવાનો વહીવટ કેમ લઈ લેવો? સ્મશાનોમાં આજે જે સંસ્થાઓ વહીવટ ચલાવે છે તે સંસ્થાઓ સાથે બેઠક કરીને તે સંસ્થાઓને તેમનું કાર્ય કરવા દેવું જોઈએ.  અંતિમવિધિ માટે અત્યારે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા  સામાન વિનામૂલ્યે આપવામાં આવે છે, તો પછી આ ખર્ચ કોર્પોરેશને કરવાની જરૃર નથી. આ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કોર્પોરેશને બેઠક યોજવી જોઈએ. આઉટ સોર્સિંગની નવી પદ્ધતિ શરૃ કરતા અગાઉ જે સંસ્થાો સ્મશાનનું સંચાલન કરતા હતા કે અંત્યેષ્ટીનો સામાન વિનામૂલ્યે આપતા હતા તેઓ સાથે તંત્રે બેઠક કરી નથી અને તેઓને વિશ્વાસમાં લીધા નથી. તંત્રએ સરમુખત્યારશાહી વલણ અપનાવી દરખાસ્ત મોકલી તેને સ્થાયી સમિતિએ મંજૂર કરી છે. ભ્રષ્ટાચારના બદઈરાદાથી જે ઠરાવ કર્યો છે તે રદ કરવા તેમણે કહ્યું છે.