સી.એ.કંપનીના ત્રણેય સંચાલકોના આગોતરા જામીન રદ
નોકરી કરતી સી.એ.યુવતિને આત્મહત્યાની દુષ્પ્રેરણા કેસમાં
અગ્રવાલ એન્ડ ધંધાણીયા સી.એ.પેઢીના સંચાલકોના ત્રાસથી કંટાળીને યુવતિએ આત્મહત્યા કરી હતીઃઆરોપી તુષાર વેગડ,સંજય અગ્રવાલ તથા આલોક ધંધાણીયાના જામીન ફગાવાયા
સુરત, તા.22 જુલાઈ 2020 બુધવાર
ભટાર રોડ સ્થિત અગ્રવાલ એન્ડ ધંધાણીયા સી.એ.પેઢીમાં નોકરી કરતી યુવતિને માનસિક ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં સરથાણા પોલીસની ધરપકડથી બચવા પેઢીના ત્રણ સંચાલકોએ કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈને નકારી કાઢી છે.
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી બાબરાના વતની ફરિયાદી ચતુર છગન લુણાગરિયા (રે.ધર્મરાજ સોસાયટી,સીમાડા ગામ)એ પોતાની સી.એ.પુત્રી પંછીલા લુણાગરીયાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ભટાર રોડ સ્થિત અગ્રવાલ અન્ડ ધંધાણીયા કંપનીના આરોપી સંચાલક સીએ સંજય કનકમલ અગ્રવાલ,આલોક ધંધાણીયા તથા તુષાર નટવર વેગડ (રે.કતારગામ) વિરુધ્ધ સરથાણા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ મુજબ ફરિયાદીની સી.એ.પુત્રી પંછીલાબેન આરોપીઓની પેઢીમાં નોકરી કરતા ંહતા.જે દરમિયાન આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં મરનાર પંછીલાબેનને છેલ્લાં દોઢ વર્ષથી માનસિક ત્રાસ આપીને બદનામ કરીને કેરીયર બગાડવાના નામે ધમકી આપી ત્રાસ આપતાં હતા.જેથી ત્રાસ અસહ્ય બનતા પંછીલાબેને આત્મહત્યા કરી જીવતર ટુંકાવ્યું હતુ.
આ કેસમાં સરથાણા પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી સીએ સંજય અગ્રવાલ,આલોક ધંધાણીયા તથા તુષાર વેગડે આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.તદુપરાંત આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.જેથી કોર્ટ ેગુનાની ગંભીરતા તથા રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈ ત્રણેય આરોપીઓની જામીનની માંગને નકારી કાઢી હતી.