છોટાઉદેપુરમાં રૃા.૨૨૫ કરોડના ખર્ચે બનતી કેનાલો પહેલાં વરસાદમાં ધોવાઇ ગઇ

નસવાડી તા.૧૫ છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય યોજનામાં રૃા.૨૨૫ કરોડના ખર્ચે નવી બનતી કેનાલમાંં ગાબડા પડતા કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. ઉદ્ધાટન પહેલાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવા છતાં પણ રૃા.૬ કરોડના બિલો બનાવવામાં આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી અને સંખેડા તાલુકામાં સુખી જળાશય યોજનાનું સિચાઇનું પાણી ૯૨ ગામોને ૧૭૦૯૪ હેક્ટર વિસ્તારમાં મળે તે માટે સરકાર દ્વારા કેનાલોનું રિનોવેશન કરવા માટે રૃા.૨૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ હતી.
આ જૂની કેનાલો વર્ષ-૧૯૮૬માં બની હતી તે જર્જરિત હતી અને તે કેનાલો તોડીને નવી બનાવવા માટે સુખી જળાશય યોજનાની કચેરી દ્વારા વડોદરાના કોન્ટ્રાકટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને ઇજારો આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કેનાલના કામો કરતા પ્રથમ વરસાદમાં જ હલકી કક્ષાનું કોક્રિટ ધોવાઈ જતા કેનાલોની હાલત ખરાબ થઇ ગઇ છે.
કામ ચાલતું હતું ત્યારે સ્થાનિક લોકોએ હલકી કક્ષાનું કામ થતું હોવાની રજૂઆતો એક્ઝિક્યૂટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને કરી પરંતુ કોઇ ધ્યાન નહી અપાતા કેનાલમાં ઠેરઠેર ગાબડા પડી ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં સુખી જળાશય યોજનાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલતા એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને તમામ રિપોર્ટ સાથે ગાંધીનગર ખાતે ચીફ ઇજેનરે રૃબરૃ બોલાવી ખુલાસો પૂછ્યો છે. ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે રૃા.૨૨૫ કરોડ ફાળવતા કામગીરી કરાવવામાં અધિકારીઓ નિષ્ફળ નીવડયા અને ઉદ્ધાટન પહેલા જ કેનાલો તૂટવા લાગી છે.









