નડિયાદના આખડોલ, જસતાપુરા સીમના 50 વીઘા ડાંગરના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં
- મોટી કેનાલના પાળામાં છિદ્રોમાંથી લિકેજના કારણે સ્થિતિ સર્જાયાની રજૂઆત
- શિયાળામાં પણ પાક ના લઈ શકતા હોવાના ખેડૂતોના આક્ષેપ : મોટું ગાબડું પડવાની સંભાવનાઃ યોગ્ય કાર્યવાહીની સિંચાઈ વિભાગની ખાતરી
નડિયાદ તાલુકાના આખડોલ ગામના જસતાપુરા સીમ નજીકથી મોટી નહેર પસાર થાય છે. નહેરની બંને બાજુ પાળા આવેલા છે. નહેરમાંથી જમણના પાણી ડાંગરના ખેતરોમાં ભરાઈ જવા પામ્યા છે. આ બાબતે આખડોલના ખેડૂતોએ કલેકટર તેમજ સિંચાઈ વિભાગ નડિયાદને મોટી નહેરની બંને બાજુના પાળામાં છિદ્રો પડી ગયા હોવાનું જણાવી રજૂઆતમાં જણાવ્યું છે કે, છિદ્રોમાંથી તેમજ જમણથી જસતાપુરા સીમમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે ૫૦ વીઘા ઉપરાંત ખેતરોમાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. એટલું જ નહીં આ જમણના પાણીના કારણે ખેડૂતો શિયાળામાં પણ પાક લઈ શકતા ના હોવાનો આક્ષેપ કર્યો છે. અગાઉ નહેરમાં જમા થયેલી કાંપ તેમજ બંને સાઈડ ઉપર ઊગી નીકળેલા ઘાસની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નહેરના પાળાઓમાં છિદ્રો પડી જવાના કારણે નહેરના પાણી આજુબાજુના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોના ખેતી પાકનું ભારે નુકસાન થઈ રહ્યું છે. છિદ્રોનું સમારકામ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે નહેરમાં મોટા ગાબડા પડવાની સંભાવના રહેલી છે. આ બાબતે સિંચાઈ ખાતાના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન અપાતું ના હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
આ અંગે પેટલાદ સિંચાઈ વિભાગના અધિકારી નિશિલભાઈનો સંપર્ક કરતા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.