mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજે દૂધ પૌંઆનો પ્રસાદ કરી શકાય કે નહીં? ચંદ્રગ્રહણનો સમય કયો છે, જાણો તમામ માહિતી

આજે શરદપૂર્ણિમાએ ખગ્રાસ ચંદ્રગ્રહણ મંદિરોમાં બપોરે 3 બાદ દર્શન બંધ

Updated: Oct 28th, 2023

આજે દૂધ પૌંઆનો પ્રસાદ કરી શકાય કે નહીં? ચંદ્રગ્રહણનો સમય કયો છે, જાણો તમામ માહિતી 1 - image


Doodh Poha Prasad on Sharad Poonam : આસો માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ આજે છે અને જેની ઉજવણી શરદ પૂર્ણિમા તરીકે કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાએ ખીલતો હોય છે. અલબત્ત, આજે શરદ પૂર્ણિમા છે ત્યારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાવાનું હોવાથી પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણને પગલે આજે મોટાભાગના મંદિરોના દ્વાર બપોરે 3 બાદ બંધ કરી દેવામાં આવશે.

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પીડિત થાય છે

ચંદ્ર મનનું કારક છે. ચંદ્ર પર કંઇપણ થાય તેની માનવીના મન ઉપર અસર થતી હોય છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પીડિત થાય છે અને વાતાવરણમાં એક નકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોવાનું પણ મનાય છે. સંવત 2079 આસો શુક્લ પક્ષ પૂનમને મેષ રાશિ અશ્વિની નક્ષત્રમાં થનારું સાડા ચાર કલાકનું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ 23 કલાક 31 મિનિટ 44 સેકન્ડના, ગ્રહણ સંમીલન 25 કલાક 5 મિનિટ 18 સેકન્ડના, ગ્રહણ મધ્ય 25 કલાક 44 મિનિટના, ગ્રહણ ઉન્મિલન 26 કલાક 22 મિનિટના જ્યારે ગ્રહણ મોક્ષ 27 કલાક 56 મિનિટ 19 સેકન્ડના છે.

આ જિલ્લામાં ચંદ્રગ્રહણ જોવા મળશે

ખગોળવિદોના મતે ખંડગ્રાસ ચંદ્રગ્રહણમાં ગ્રસિત ભાગ મુંબઇ, સુરત, અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લા મથકે જોવા મળશે. આજે રાત્રિના 11:30થી શરૂ થનારું આ ગ્રહણ 29મીના 3 કલાક 56 મિનિટ સુધી ગ્રસિત-ખંડગ્રાસ ગ્રહણ નરી આંખે જોઇ શકાશે. ધાર્મિક માન્યતા પ્રમાણે ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. આમ શરદ પૂર્ણિમાના ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો આજે બપોરે 4:05થી ગ્રહણના અંત સુધી એટલે કે મોડી રાત્રે 2:22 સુધી સમાપ્ત થશે. 

મંદિરોમાં ક્યારથી દર્શન બંધ રહેશે?

ચંદ્રગ્રહણને પગલે મંદિરોના સમયમાં પણ ફેરફાર કરાયો છે. જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ગ્રહણનો વેધસ્પર્શ બપોરે 1:48ના છે અને ત્યારબાદ વિવિધ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન કરી શકાશે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં દૂધપૌંઆનો ભોગ માતાજીને ગઈકાલે ધરાવાયો હતો. આજે સાંય આરતી બપોરે 2 થી 2:30એ થશે અને 3:30થી મંદિર સંપૂર્ણ બંધ રહેશે. આવતીકાલે રાબેતા મુજબ દર્શન થશે. ચોટીલા મંદિરના દ્વારા રાબેતા મુજબ ખુલ્લા રહેશે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરમાં બપોરે 3થી દર્શન બંધ રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાએ ચંદ્રની રોશની અમૃત વર્ષા થાય છે. જેના કારણે ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌંઆ મૂકીને તેને આરોગવાથી મન શાંત થાય છે. પરંતુ આ વખતે ચંદ્રગ્રહણ હોવાથી મોટાભાગના લોકો દ્વારા દૂધ પૌઆ આવતીકાલે લેવામાં આવશે. ગ્રહણને પગલે રાત્રે દૂધપૌંઆનો પ્રસાદ લઇ શકાય નહીં.

ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો સમય

ગ્રહણ સ્પર્શ : 23 કલાક 31 મિનિટ 44 સેકન્ડ, 

ગ્રહણ સંમીલન: 25 કલાક 5 મિનિટ 18 સેકન્ડ, 

ગ્રહણ મધ્ય : 25 કલાક 44 મિનિટ, 

ગ્રહણ ઉમીલન : 26 કલાક 22 મિનિટ 37 સેકન્ડ, 

ગ્રહણ મોક્ષ : 27 કલાક 56 મિનિટ 19 સેકન્ડ, 

પરમ ગ્રાસ : 0.122. 

ખંડગ્રાસ કાળ : 1 કલાક 17 મિનિટ

આજે દૂધ પૌંઆનો પ્રસાદ કરી શકાય કે નહીં? ચંદ્રગ્રહણનો સમય કયો છે, જાણો તમામ માહિતી 2 - image

Gujarat