Gujarat

આજે સાંજથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત

By GS TEAM
20 Jun 20252 mins read
આજે સાંજથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત

ભારે વરસાદે ચૂંટણી પ્રચારના ઉત્સાહ ઉપર પાણી ફેરવ્યું

૮૫ સરપંચ અને ૩૨૧ સભ્ય બનાવ માટે યોજાનારી ચૂંટણીમાં ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક થકી મતદારોને રિઝવવા પ્રયાસ 

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે. ત્યારે આવતીકાલ શુક્રવાર સાંજથી ગ્રામ પંચાયતોમાં જાહેર પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારબાદ સરપંચ-સભ્યોના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરશે.

ગામડાઓમાં વર્ચસ્વની લડાઈ સમાન ગણાતી ગ્રામ પંચાયતોની ચૂંટણીને આ વખતે ભારે વરસાદનું ગ્રહણ લાગ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ વરસેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ગામડાઓ અસરગ્રસ્ત થતાં ચૂંટણી પ્રચારનો ઉત્સાહ ઓસરી ગયો હતો. જો કે, આજથી સ્થિતિ થાળે પડી છે, ત્યાં ઉમેદવારો માટે હવે પ્રચાર માટેનો સમય બાકી રહ્યો નથી. 

છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી વહીવટદાર શાસન ધરાવતી ૫૦ ગ્રામ પંચયાતોમાં સરપંચ અને ૪૨૪ વોર્ડના સભ્યોની ચૂંટણી અને અન્ય પંચાયતોમાં પેટા ચૂંટણી માટે તા.૧૧ જુને ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ૨૯ ગામના સરપંચ અને ૨૮૨ સભ્ય બિન હરિફ થયા હતા. જ્યારે સરપંચ બનાવ માટે ૮૫ અને સભ્ય બનવા માટે ૩૨૧ ઉમેદવાર વચ્ચે ૨૨મી જુને મતદાન અને ૨૫મી જુને મતગણતરી હાથ ધરાશે. નિયમ મુજબ મતદાનના ૪૮ કલાક પૂર્વે જાહેર પ્રચાર બંધ કરી દેવો પડતો હોય, આવતી કાલ શુક્રવારે સાંજથી પ્રચાર પડધમ શાંત થઈ જશે. જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનારી છે તેવા ૧૦ તાલુકાના ૪૨ ગામ રહ્યાં છે જેમાં ૫૧,૦૧૦ મતદારો મતદાન કરનાર છે. જેના માટે તંત્રએ ૬૯ મતદાન મથકો બનાવ્યાં છે.