કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ
આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધ્યો
આબુમાં આવેલા રિસોર્ટના તેમજ અન્ય આવકના ગોટાળા કરીને એકાઉન્ટમાં બનાવટી એન્ટ્રી કરી છેતરપિંડી કરી
અમદાવાદ,બુધવાર
કામા ગુ્રપ ઓફ કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓએ આબુમાં આવેલા રિસોર્ટની તેમજ અન્ય આવક મળીને કુલ રૃપિયા ૧.૭૦ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોધવામાં આવી છે. આરોપીઓએ એકાઉન્ટીંગ સિસ્ટમમાં ખોટી એન્ટ્રી કરવાની સાથે બનાવટી વાઉચર બનાવીને સમગ્ર કૌભાંડ આચર્યુ હતું.
ખાનપુરમાં કામા હોટલ પાસે આવેલા કામા બંગ્લોઝમાં રહેતા રૃસ્તમ કામા હાલ કામા ગુ્રપ ઓફ કંપનીઝમાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે છે. તેમણે આર્થિક ગુના નિવારણ શાખામાં નોધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની કંપનીમાં મનીષ વાદી (રહે. આલોક એપાર્ટમેન્ટ, પાલડી) કંપનીના નાણાંકીય વ્યવહાર અને એકાઉન્ટનું કામ સંભાળે છે. જ્યારે આબુમાં આવેલા કામા રાજપુતાના રિસોર્ટમાં મીઠાલાલ પરમાર કામ સંભાળે છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં હિસાબોની ચકાસણી દરમિયાન ગરબડ જણાઇ હતી. આ અંગે મનીષ વાદીને સુચના આપતા તેમણે રિપોર્ટ તૈયાર કરીને આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, આબુના રિસોર્ટના હિસાબમાં પણ કેટલીંક શંકાસ્પદ એન્ટ્રી હતી. આબુ સ્થિત રિસોર્ટના હિસાબની સિસ્ટમમાં ખોટી એન્ટ્રી જોવા હતી. આ માટે મનીષ વાદી અને મીઠાલાલ પરમાર સાથે મળીને કૌભાંડ કરતા હતા. તેમણે હિસાબના ડેટાની હાર્ડ ડિસ્ક ક્રેસ થયાનું કારણ આપ્યુ હતું. પરંતુ, હાર્ડ ડીસ્ક રીપેર કરીને ડેટા લીધા બાદ ઓડીટ વિભાગને આપ્યા નહોતા અને સીસ્ટમનો પાસવર્ડ પણ આપ્યો નહોતો. જો કે ઓડીટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંનેએ સાથે મળીને કુલ ૧.૭૦ કરોડની ઉચાપત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.