Gujarat

ખેડૂતોને મેસેજ કરીને સવારે બોલાવી લીધા બપોર સુધી અધિકારીઓ દેખાયા જ નહીં

By GS TEAM
24 Jun 20252 mins read
ખેડૂતોને મેસેજ કરીને સવારે બોલાવી લીધા બપોર સુધી અધિકારીઓ દેખાયા જ નહીં

- મહિસાગર જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી માટે

- ખેડૂતોને સવારે 8 વાગ્યે ગોડાઉન ઉપર પહોંચવાનો સમય આપ્યો હતો, અધિકારીઓ બપોરે એક વાગ્યે આવ્યા

વિરપુર : મહિસાગર જીલ્લાના વિરપુરમાં બાજરી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને વહેલી સવારે બોલાવી લીધા બાદ અધિકારીઓ બપોર સુધી નહી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. બપોર સુધી કોઇ અધિકારી ડોકાયા નહતાં જેના કારણે ટ્રેક્ટરમાં બાજરી લઇને આવેલા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે અધિકારીઓ દ્વારા પણ ગોળગોળ જવાબો આપવામાં આવી રહ્યાં છે.

વિરપુરમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે ટેકાના ભારે બાજરી ખરીદ કેન્દ્ર ઊભુ કરવામાં આવ્યું છે. આ ખરીદ કેન્દ્ર પર સોમવારના રોજ ખેડૂતોને મેસેજ કરી સવારના ૮ કલાકે ગોડાઉન પર ખરીદ કેન્દ્ર ખાતે બોલાવવામાં આવ્યાં હતાં. 

આ ખેડૂતોને ખાસ તાકીદ કરવામા આવી હતી કે, બાજરીનો જથ્થો સાફ કરીને તેમજ સુકવીને બારદાનમાં ભર્યા વગર વાહનમાં ખુલ્લો લાવવાનો રહેશે. આથી, અનેક ખેડૂતો ટ્રેક્ટરની ટ્રોલીમાં ખુલ્લામાં બાજરી ભરીને વ્હેલી સવારે કેન્દ્ર પર પહોંચ્યાં હતાં. પરંતુ આશ્ચર્યજનક બાબત એ હતી કે, અધિકારીઓ બપોરના એક વાગ્યા સુધી દેખાયા નહતાં. 

આ ઉપરાંત કેન્દ્ર પર બારદાન ન હોવાનું બહાનું કાઢી ખેડૂતોને કલાકો સુધી રાહ જોવડાવી હતી. જેથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. 

વરસતા વરસાદમાં ખેડૂતો હેરાન થયા

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખેડૂતોને બાજરી ખરીદી માટે ખેડૂતોને મેસેજ દ્રારા આગોતરા જાણ કરવામાં આવ્યા હતા જેથી સવારના સાત વાગ્યાથી ખેડૂતો વાહનમાં બાજરી લઈને આવ્યા હતા ગોડાઉન કર્મચારીઓ ૧૧ વાગ્યા સુધી દેખાયા ન હતા વરસતાં વરસાદમાં ખેડૂતો કલાકો સુધી વાહનો લઇને ઉભા રહ્યા હતા બાદ એક વાગ્યા બાદ બાજરીની ખરીદી ચાલુ કરતાં ખેડૂતો ભારે હાલાકી વેઠવી પડી હતી.

- વિરેન્દ્ર પટેલ (વિરપુર તાલુકા કિસાન સંઘ પ્રમુખ)

વહેલા નંબર લેવા માટે ખેડૂતો વહેલા આવી જાય છે

'ખેડૂતોને ૧૦.૩૦નો સમય આપવામાં આવ્યો છે. વહેલા નંબર લેવા માટે વ્હેલા આવી જાય છે. મારી પાસે બે ચાર્જ છે. હું સવારે બાલાસિનોર અને બપોર પછી વિરપુર આવું છું. ચાર્જના લીધે તકલીફ પડે છે. એપીએમસીનું ધોરાવાડા ગોડાઉનમાં બારદાન રાખવામાં આવે છે. જ્યાંથી જરૂર પડે તે રીતે મંગાવવામાં આવે છે..

- એમ.એમ. મકવાણા, (ઇન્ચાર્જ ખરીદી અધિકારી, વિરપુર )