Gujarat

ખુલ્લી જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરવા તાકીદ , દરેક બિલ્ડિંગની બહાર કે રોડ ઉપર વાહન પાર્ક નહીં થઈ શકે

By GS TEAM
26 Dec 20252 mins read
ખુલ્લી જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરવા તાકીદ , દરેક બિલ્ડિંગની બહાર કે રોડ ઉપર વાહન પાર્ક નહીં થઈ શકે

 અમદાવાદ,શુક્રવાર,26 ડિસેમ્બર,2025

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિકની સમસ્યા હળવી કરવા કોર્પોરેશન તરફથી ઝૂંબેશ શરુ કરાઈ છે.શહેરના દરેક બિલ્ડિંગની બહાર કે રોડ તથા ફૂટપાથ ઉપર લોકો વાહન પાર્ક કરી શકશે નહીં.ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે બે દિવસમાં ૩૮૪ નોટિસ આપવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા કરવામા આવેલી તપાસમાં શહેરમા અનેક રહેણાંક તથા કોમર્શિયલ બિલ્ડિંગમાં પ્લોટની અંદર જરુરી પાર્કિંગ વ્યવસ્થા નહીં રાખીને જાહેર રસ્તા, ફૂટપાથ તથા અન્ય જાહેર જગ્યાએ રોડ ઉપર પરવાનગી વગર વાહનો પાર્ક કરાઈ રહયા છે.આ કારણથી ટ્રાફિકને ભારે અડચણ થઈ રહી છે.આ સ્થિતિને નિયંત્રિત કરવા સંબંધિત તમામ માલિકો, હાઉસિંગ એસોસિએશન, ચેરમેન, સેક્રેટરી, બિલ્ડિંગ માલિકો, કબજેદારો તથા વપરાશ કર્તાઓને નિતી નિયમ મુજબ તેમના વાહનનુ પાર્કિંગ પ્લોટમાં અથવા પ્રિમાઈસીસની અંદર કરવા તાકીદ કરાઈ છે.જયાં અમલ થતો નથી ત્યાં નોટિસ આપવામા આવી છે.

દરેક બિલ્ડિંગની અંદર પાર્કિંગ સાઈનેઝ, વ્યવસ્થા ઉભી કરવી પડશે

અમદાવાદના દરેક રહેણાંક તથા કોમર્શિયલ બિલ્ડિંગની અંદર પાર્કિંગ સાઈનેઝ ઉપરાંત પાર્કિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવી પડશે.બિલ્ડિંગના ફ્રન્ટ માર્જિન વિસ્તારમાં માલસામાન મુકી દબાણ ના થાય તેમજ પાર્કિંગમાં  અવરોધરુપ ઓટલાં સહિતની અન્ય અડચણ દુર કરી ખુલ્લી જગ્યાનો ઉપયોગ વાહન પાર્કિંગ માટે કરવાનો રહેશે.

અનેક સોસાયટીઓમાંમુલાકાતીઓએ વાહન બહાર પાર્ક કરવાના જોવા મળતા બોર્ડ

અમદાવાદમા આવેલી અનેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ,રેસીડેન્શિયલ ટાવરોમા બહારના ભાગમા મુલાકાતીઓએ તેમના વાહન બહાર પાર્ક કરવા એ પ્રકારના બોર્ડ લગાવેલા છે. આવા સ્થળે કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવુ રહયુ.