Get The App

ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ, ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું

પોલીસ કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો અને ફોનમાં મેસેજ હતો કે મારા ભાણિયાનું અપહરણ થયું છે

ફોન કોલ્સનું લોકેશન ક્રાઈમ બ્રાંચે ટ્રેસ કર્યું અને તે સ્થળે બાળક મળી આવ્યો ત્યાર બાદ પોલીસને જાણવા મળેલી બાબત ખૂબ ચોંકાવનારી હતી

Updated: Jul 12th, 2023

GS TEAM


Google News
Google News
ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો અને પોલીસ દોડતી થઈ, ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું 1 - image



અમદાવાદઃ ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો અને ફોનમાં મેસેજ હતો કે મારા ભાણિયાનું અપહરણ થયું છે અને અપહરણકારો 15 લાખ રૂપિયાની ખંડણી માંગે છે મોટા પરિવારમાંથી આવેલો આ ફોન પોલીસ કંટ્રોલ રૂમ માટે મહત્વની બાબત બની ગઈ હતી અને આખા રાજ્યમાં આ અંગેનો મેસેજ વહેતો થયો હતો.પોલીસ પણ અલગ અલગ જગ્યાએ શોધી રહી હતી. પરંતુ  અપહરણ થયાની કોઈ કડી મળતી નહોતી. આખરે પોલીસને અમદાવાદમાં સિંધુભવન રોડ પાસે એક નંબર ટ્રેસ થયો હતો અને પોલીસ ત્યાં પહોંચી એટલે અપહરણ કરાયેલ બાળક ત્યાં જ હાજર હતો. ત્યારે પોલીસને શાંતિ થઈ કે હવે બાળકના જીવને ખતરો નથી. ત્યાર બાદ વધુ તપાસ શરૂ થઈ અને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. હાલ બાળકો સગીર હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ પોલીસની મહેનત ના કારણે એક સત્ય ઉજાગર થયું છે.

અપહરણ કરાયુ હોવાનો વીડિયો પણ મોકલ્યો 

બે ત્રણ દિવસ પહેલા પોલીસ રાબેતા મુજબ પોતાનું કામ કરી રહી હતી. આ દરમિયાન ગાંધીનગર સ્ટેટ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન રણકયો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બિલ્ડર હોવાની આપી હતી અને તેણે જણાવ્યું કે મારો ભાણિયો જે મને દીકરાથી પણ વાલો છે તેનું કોઈએ અપહરણ કરી લીધું છે. અપહરણ કરનાર અલગ અલગ નંબરથી ફોન કરીને 15 લાખ રૂપિયાની ખંડણી માંગે છે. તેને અપહરણ કરાયુ હોવાનો વીડિયો પણ મોકલ્યો છે. આ મેસેજ મળતાની સાથે જ સમગ્ર રાજ્યમાં આ મેસેજ સ્પ્રેડ થયો હતો. પોલીસ પણ બાળક સગીર હોવાથી તેનું અપહરણ થયું અને તેનો વીડિયો પણ આવ્યો એટલે વાતને ગંભીર મારીને તમામ પ્રકારની તપાસમાં લાગી ગઈ હતી.

પોલીસે રાહતનો શ્વાસ લીધો કે બાળક મળી ગયો

પોલીસે જે નંબરથી ફોન આવ્યા હતા તેની તપાસ શરૂ કરી હતી અને તપાસ શરૂ કરતાં અલગ અલગ નંબર વારંવાર ચાલુ બંધ થતા હતા. જેમાં કેટલાક નંબરના લોકેશન ટ્રેસ કરવા માટે અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાંચે  પ્રયાસ શરૂ કર્યા હતા. આ બનાવ બપોરે બન્યો હતો પણ પોલીસને કોઈ કડી મળતી નહોતી. પોલીસ પણ પ્રયાસ કરતી હતી કે બાળક હેમખેમ બચી જાય. જેથી એક નંબરનું લોકેશન સ્ટ્રેસ કરતા ગુરુદ્વારા પાસેનું લોકેશન મળી આવ્યું હતું. જ્યાં પોલીસ પહોંચતા અપહરણ કરાયેલો બાળક મળી આવ્યો હતો. પોલીસે રાહતનો શ્વાસ લીધો કે બાળક મળી ગયો છે પરંતુ ત્યારબાદ જે પોલીસને જાણવા મળ્યું તે ખૂબ જ ચોકાવનાર હતું.

બાળકે કહેલી વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી 

પોલીસને બાળકે ડરતા અવાજમાં કહ્યું કે મારું અપહરણ વેનીટી વેનમાં થયું હતું. એટલે પોલીસ પણ વિચારોમાં લાગી ગઈ હતી. અમદાવાદમાં વેનીટી વેન ખૂબ જ ઓછા લોકો અને તે પણ ખૂબ મોટા લોકો પાસે છે. પોલીસે વધુ પૂછપરછ કરતા બાળકે કહ્યું કે મારું અપરણ વેનીટી વેન નહીં પણ એકટીવા પર થયું હતું. વારંવાર પોતાનું નિવેદન બદલતા બાળકને પોલીસ ધીમે ધીમે પોતાના દીકરાની જેમ પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન એક મહત્વની કળી મળી અને પોલીસને જાણવા મળ્યું કે આ અપહરણ નહીં આખું તરકટ હતું. પોલીસ અધિકારી પોતાના દીકરાની જેમ બાળકને સમજાવતા વાત કરતા હતાં ત્યારે બાળકે કહી દીધું કે આ મેં અને મારા મિત્રોએ જાતે જ કર્યું છે જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

આ બાળક ખૂબ મોટા જવેલર્સનો દીકરો છે

પોલીસે આ અંગે પૂછપરછ વધુ કરતા જાણવા મળ્યું કે, આ બાળક ખૂબ મોટા જવેલર્સનો દીકરો છે. એકનું એક સંતાન હોવાથી ખૂબ જ લાડકોડમાં ઉછેરાઈ રહ્યો હતો. તે દરમિયાન તેના મિત્રોને 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેને મદદ કરવા માટે તેણે પોતાના જ અપહરણનો પ્લાન કર્યો હતો. ફોન કરનાર તેના મિત્રો જ હતા અને પોતાનો બનાવેલો વિડિયો પણ તેમણે જ ઉતાર્યો હતો. તે પાંચ લાખ પોતાના વાપરવા માટે માંગતો હતો. એટલે કુલ 15 લાખ રૂપિયા માંગવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તમામ ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ પોલીસે માનવતાનો અભિગમ દાખવીને સગીર બાળક પર ફરિયાદ દાખલ કરી નથી. પરંતુ આ અંગે સત્તાવાર નોંધ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર તરકટનો પર્દાફાશ કર્યો છે.

Tags :