Ahmedabad Civil Kidney Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં કેટલાક સમયથી જુદાં જુદાં કારણોસર સતત વિવાદમાં રહી છે. ત્યારે હવે કિડની હોસ્પિટલમાં મેડિકલ કન્ઝ્યુમેબલ્સની ખરીદી પ્રકરણ મામલે નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ મામલે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી થયેલી ફરિયાદો અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા અગાઉની તપાસને રી-ઓપન કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલી તપાસ તટસ્થ ન હોવાના આક્ષેપો થયા હતાં. અંગત સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આથી જ હાલ 'કેગ'ના ત્રણ અધિકારીઓએ કિડની હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરી ઓડિટ શરૂ કરી દીધું છે.
કથિત કૌભાંડમાં એકબીજા પર આક્ષેપો પ્રતિ-આક્ષેપો
શહેરની જાણીતી સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલમાં ક્યારેક નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ બાબતે તો ક્યારેક ડાયાલીસીસ પ્રોગ્રામ કે પછી મેડિકલ કન્ઝ્યુમેબલ્સની ખરીદી મામલે થયેલા આક્ષેપોને લઈને સતત વિવાદ ચાલી રહ્યાં છે. જેમાં અધિકારીઓ-કર્મચારીઓ સતત એકબીજા પર આક્ષેપો પ્રતિ-આક્ષેપો કરી રહ્યાં છે. પહેલા થયેલી તપાસ તટસ્થ ન હોવાનો દાવો સાથે રજૂઆત કરતાં ફરી તપાસ શરૂ થઈ હોય તેવા સંકેત મળી રહ્યા છે.
મુખ્યમંત્રી સુધી રજૂઆતની ચર્ચા
ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ ના જે કર્મચારીઓને છુટા કરી દેવાયા હતાં તે કર્મચારીઓએ આ આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલય સુધી ફરિયાદ કરી અને તપાસ નિષ્પક્ષ ન હોવા ઉપરાંત મેડિકલ કન્ઝ્યુમેબલ્સ મુદ્દે ગોટાળા કરનાર ડીલર-ડિસ્ટ્રીબ્યુટર વિરુદ્ધ પુરાવા રજૂ કરી નિષ્પક્ષ રી-ઇન્વેસ્ટિગેશન (ફરી તપાસ)ની માંગણી કરી હોવાની ચર્ચા છે.
નવેસરથી તપાસ સોપવામાં આવી હોવાનો દાવો
આ મામલે ગાંધીનગર ખાતેના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, 'કિડની હોસ્પિટલ મામલે અગાઉની તપાસનો રિપોર્ટ તપાસ અધિકારીએ સબમિટ કરી દીધો હતો. અલબત્ત હવે આ મુદ્દે નવેસરથી તપાસ સોપવામાં આવી છે , પરંતુ તપાસના પેપર્સ મારી પાસે આવ્યાં નથી. આથી હાલ તપાસ કર્યા વિના કંઈપણ કહી શકાય નહીં.'
'એક મોટા વયોવૃદ્ધ અધિકારીને બચાવવા આવ્યા હોવાનો આરોપ'
બીજી તરફ ડાયાલીસીસ પ્રોગ્રામના એક અધિકારીએ બચાવ કરતાં આરોપ કર્યો છે કે, 'આ મુદ્દે એક મોટા અધિકારીને બચાવવા માટે ચારથી પાંચ નાનાં કર્મચારીઓ ઉપર આક્ષેપ કરી ઇનકવાયરીના નામે નોકરીમાંથી કાઢી મુક્યા હતાં. મહત્વની વાત એ છે કે, આ ઇનકવાયરી દરમિયાન કાઢી મુકાયેલા એકપણ કર્મચારીનું નિવેદન જ લેવામાં આવ્યું નથી. આમ તટસ્થ ઇનકવાયરી થઈ ન હતી, અમારી વિરુદ્ધની ફરિયાદો ખોટી હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, આરોગ્ય સચિવે પણ ક્લીનચીટ આપી હતી, છતાંય એક મોટા વયોવૃદ્ધ અધિકારીને બચાવવા માટે નાનાં કર્મચારીઓને કાઢી મૂકાયા છે, જેથી અગાઉની તપાસ તટસ્થ ન હોવાથી અમે નવેસરથી તપાસની માંગણી કરી હતી. જેથી આ મામલે ગાંધીનગરથી નવેસરથી તપાસ શરૂ કરવા આદેશ થયાં છે. તદુપરાંત કેગના અધિકારીઓએ આર્થિક વ્યવહારોનું ઓડિટ હાથ ધર્યું છે.'
'જેના પર આરોપ હતો તેમના નિવેદન નથી લેવાયા'
આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, 'થોડા સમય અગાઉ કિડની હોસ્પિટલ સંચાલિત ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ માં મેડિકલ કન્ઝ્યુમેબલ્સની કરોડો રૂપિયાની ખરીદી મામલે કૌભાંડ થયાના આક્ષેપો થયાં હતા. જે મામલે શરૂ થયેલી તપાસ પૂર્ણ થાય એ પહેલાં ડાયાલીસીસ પ્રોગ્રામના પ્રોજેકટ ઓફિસર સહિત ચાર-પાંચ નાનાં કર્મચારીઓને છૂટા કરી દેવાયા હતાં. ચોંકાવનારી વાત તો એ છે કે, આ તપાસ અહેવાલમાં જે કર્મચારીઓને દોષિત બનાવી છૂટા કરી દેવાયા હતાં તેમાંથી કોઈનું નિવેદન જ લેવામાં આવ્યું ન હતું. ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ સંકેલી લેવાઈ હતી. જેથી કર્મચારીઓએ નવેસરથી તપાસ માટે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત કરી હતી.
કેગના ત્રણ અધિકારીની ટીમે સરપ્રાઈઝ ઓડિટ શરૂ કર્યું
સૂત્રો મુજબ, છેલ્લા 10 દિવસથી કિડની હોસ્પિટલમાં કેગના એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર અને બે આસીટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એમ કુલ ત્રણ અધિકારીની ટીમે સરપ્રાઈઝ ઓડિટ શરૂ કર્યું છે. જેમાં પણ અનેક તથ્યો ઉજાગર થશે તેવી સંભાવનાઓ છે.


