સીએ ફાઈનલમાં વડોદરાના બે, ઈન્ટરમાં પાંચ અને ફાઉન્ડેશનમાં એક વિદ્યાર્થી ટોપ-૫૦માં
વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે.વડોદરાના વિદ્યાર્થીઓએ ત્રણે પરીક્ષામાં ઝળહળતો દેખાવ કર્યો છે.
સીએ ફાઈનલમાં વડોદરાના બે વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે.જેમાં કુંજ પટેલે દેશમાં નવમો અને હરેન્દ્રસિંઘ ઠાકોરે દેશમાં ૨૬મો ક્રમ મેળવ્યો છે.સીએ ઈન્ટરમાં વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ ટોપ-૫૦માં છે.જ્યારે ફાઉન્ડેશનમાં વડોદરાના વિદ્યાર્થીએ દેશમાં ૧૫મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સીએ ફાઈનલમાં ગુ્રપ એકની પરીક્ષા આપનાર ૩૧૧ પૈકી ૬૩, ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૧૨૨ પૈકી ૨૮ અને બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૨૦૪ પૈકી ૩૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે સીએ ઈન્ટરમાં ગુ્રપની પરીક્ષા આપનારા ૫૧૬માંથી ૫૨, ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૩૪૨માંથી ૯૧ અને બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૨૦૪માંથી ૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપનારા ૭૩૫માંથી ૯૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.સીએ ઈન્સ્ટિટયુટના વડોદરા ચેપ્ટરના સૂત્રોના કહેવા પ્રમાણે આ પરિણામ જાહેર થવાના પગલે વડોદરામાંથી ૯૦ જેટલા વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી મળી છે.
પિતા ખેડૂત, ગામમાં રહીને સીએનો અભ્યાસ કર્યો, અપડાઉન કરતો હતો
હું વડોદરા નજીક ઉમેટા અને બોરસદ વચ્ચે આવેલા કિંનખલોડ ગામમાં રહું છું.મારા પિતા ખેડૂત છે અને ગામમાં રહીને જ મેં સીએનો અભ્યાસ પૂરો કર્યો છે.ઈન્ટર્નશિપ માટે હું વડોદરા જવા માટે અપડાઉન કરતો હતો.પિતા ખેડૂત હોવા છતા અભ્યાસ માટે મને કોઈ તકલીફ પડવા દીધી નહોતી.પરીક્ષાના સાત મહિના પહેલાથી હું રોજ ૧૨ કલાક વાંચતો હતો.સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું.મને સારુ પરિણામ આવશે તેવી આશા ચોક્કસ હતી.સીએ કરવા માટે આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી.મારી પિતરાઈને જોઈને મને સીએ કરવાની પ્રેરણા મળી હતી.
કુંજ પટેલ, સીએ ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૯, ૪૮૪ માર્કસ
દરેક વિષયના પાંચ-પાંચ મોક ટેસ્ટ આપ્યા હતા
તૈયારીમાં સાતત્ય જરુરી છે.રિવિઝન પર પણ ભાર મૂકવો જોઈએ. દરેક પેપરના પાંચ-પાંચ મોક ટેસ્ટ આપ્યા હતા.મારો ભાઈ કોસ્ટ એકાઉન્ટન્ટ છે.પિતા ૨૦૧૩માં અવસાન પામ્યા હતા અને માતા સ્કૂલમાં નોકરી કરે છે.
હરેન્દ્રસિંહ ઠાકોર, સીએ ફાઈનલમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૨૬, ૪૫૩ માર્કસ
પરીક્ષાનો તણાવ રાખવાની કોઈ જરુર નથી
રોજ ૬ થી સાત કલાક વાંચતો હતો.પરીક્ષાનો તણાવ રાખવો જોઈએ નહીં.જેનાથી તમારી વાંચવાની ક્ષમતા પર અસર પડે છે.મારી પોતાની બહેન સીએ હોવાથી તેની પાસેથી પણ માર્ગદર્શન મળતું હોય છે.પિતા બિઝનેસમેન અને માતા ગૃહિણી છે.ફાઉન્ડેશનની પરીક્ષામાં વડોદરામાં બીજો ક્રમ હતો.
ગૌરવ શાહ, સીએ ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૩૦, ૪૬૦માર્કસ
ઓલ ઈન્ડિયા રેન્ક આવશે તેવી આશા નહોતી
મોક ટેસ્ટ પર ભાર મૂકયો હતો.મને ઓલ ઈન્ડિયા રેન્ક આવશે તેવી આશા હતી નહીં. મેં તો પહેલા પ્રયત્નમાં ઈન્ટર પરીક્ષા પાસ કરવાનું જ લક્ષ્ય રાખ્યું હતું.સીએ અને બીકોમની પરીક્ષાની તારીખો એક હોવાથી એફવાયબીકોમની પરીક્ષા નથી આપી શકી.પિતા બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે.
દિશા ગોકાણી, સીએ ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૩૨, ૪૫૮ માર્કસ
ફાઉન્ડેશન પરીક્ષામાં શહેરમાં પ્રથમ રેન્ક હતો
સેલ્ફ સ્ટડી પણ મહત્વનું છે.મારી બહેન સીએ છે અને તેણે પણ સીએની તમામ પરીક્ષાઓ પહેલા પ્રયાસે પાસ કરી હોવાથી મારુ લક્ષ્ય પણ હવે ઈન્ટર બાદ ફાઈનલની પરીક્ષા પહેલા જ પ્રયત્નમાં પાસ કરવાનું છે.ફાઉન્ડેનની પરીક્ષામાં મારો વડોદરામાં પહેલો રેન્ક હતો.પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
માન્યા સિંહા, સીએ ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૩૭, ૪૫૩ માર્કસ
લખવાની પ્રેક્ટિસ પણ જરુરી છે
સીએ ચેપ્ટર દ્વારા આપવામાં આવતા મોડયુલને કેન્દ્રમાં રાખીને તૈયારી કરી હતી.સફળતા મેળવવા માટે કન્સેપ્ટ ક્લીયર હોવો અને લખવાની પ્રેક્ટિસ હોવી જરુરી છે.પિતા કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરે છે.મેં બીકોમની ડિગ્રી મેળવ્યા બાદ સીએનો અભ્યાસ શરુ કર્યો છે.
ખુશી શાહ, સીએ ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૪૭, ૪૪૩ માર્કસ
સફળતા માટે પોતે જ પોતાની પ્રેરણા બની શકો છો
સીએ ઈન્સ્ટિટયુટના મોડયુલ અને મોક ટેસ્ટને પ્રાથમિકતા આપી હતી.ઘરે પણ અભ્યાસ કરતો હતો. સીએની ડિગ્રી મેળવવાની સફળ લાંબી હોય છે અને તેમાં ઉતાર ચઢાવ પણ આવતા હોય છે.એવા સંજોગોમાં તમે પોતે જ પોતાનું પ્રેરક બળ બની શકો છે.પરિવારની અપેક્ષાઓ પણ પ્રેરણા આપી શકે છે.
શુભમ મુઠા, સીએ ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૫૦, ૪૪૦ માર્સ
ફાઉન્ડેશનનો સિલેબસ ધો.૧૧-૧૨ જેવો જ હોય છે
ફાઉન્ડેશનના પેપરમાં કાયદાને લગતા પ્રશ્નો અઘરા લાગ્યા હતા.મારા પિતા સીએ છે અને બિઝનેસ કરે છે.તેમની પાસેથી પણ માર્ગદર્શન મળ્યું હતું.ફાઉન્ડેશન પરીક્ષાનો મોટાભાગનો સિલેબસ ધો.૧૧ અને ૧૨માં ભણી ચૂકયો હોવાથી પરીક્ષાની તૈયારીમાટે બહું વાંધો આવ્યો નહોતો.
લક્ષ્ય સુરાણા, ફાઉન્ડેશનમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫, ૩૪૨ માર્કસ