સીએનો અભ્યાસ કરતા 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાનો તણાવ અનુભવે છે
વડોદરાઃ ભારતમાં સીએની પરીક્ષા દુનિયાના અન્ય દેશોના સીએની પરીક્ષા કરતા અઘરી મનાય છે અને સીએનો અભ્યાસ કરતા ૫૦ થી ૬૦ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષાનો તણાવ અનુભવતા હોય છે તેમ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની સ્ટુડન્ટ બ્રાન્ચ વેસ્ટર્ન ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ સમીર મહેતાએ એક વાતચીતમાં કહ્યું હતું.
વડોદરામાં આજથી સીએના વિદ્યાર્થીઓની બે દિવસની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો.આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાનું આગવુ અસ્તિત્વ ગુમાવ્યા વગર કેવી રીતે બદલાવ કરી શકાય તે થીમ પર કોન્ફરન્સ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ટેન્શન રાખ્યા વગર પણ સફળતા મેળવી શકાય છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે.સીએ કરતા વિદ્યાર્થીઓના તણાવની પાછળનું સૌથી મોટું કારણ સમાજની અપેક્ષા હોય છે.સીએની પરીક્ષા દુનિયાની સૌથી કઠિન પરીક્ષાઓ પૈકીની એક છે તે વાત સાચી છે પરંતુ અમે આ બાબતને ધ્યાનમાં રાખીને તેમાં પણ બદલાવ કર્યા છે.
જેમ કે પહેલા ફાઈનલમાં આઠ પેપર હતા અને હવે તેની જગ્યાએ ૬ પેપર કરવામાં આવ્યા છે.આમ ૧૬ દિવસની પરીક્ષા હવે ૧૨ દિવસની થઈ ગઈ છે.બાકીના બે પેપરની પરીક્ષા વિદ્યાર્થીઓ ઈચ્છા હોય ત્યારે આપી શકે છે.વિદ્યાર્થીઓ સેલ્ફ મોડથી તૈયારી કરી શકે તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે.વિદ્યાર્થીઓ માટે સાયકોલોજી વિષય પણ અભ્યાસક્રમમાં સામેલ કરાયો છે.વિદ્યાર્થીઓનું જરુર પડે તો કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે.