વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક સ્વર્ગીય પ્રો.સી વી રામક્રિષ્નનની ૧૦૦મી જન્મ જયંતિની બાયોકેમેસ્ટ્રી વિભાગમાં ઉજવણી કરવામાં આવી હતી અને આ નિમત્તે વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ સીવીઆર ચેરની સ્થાપનાની જાહેરાત કરી હતી.
તા.૨૦ જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં પ્રો.સી વી રામક્રિષ્નનના પુત્ર અને નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક પ્રો.વેંકી રામક્રિષ્નન ખાસ હાજર રહ્યા હતા.જોકે તેમણે સ્ટેજ પર બેસવાનો કે વક્તવ્ય આપવાનો ઈનકાર કરીને કહ્યું હતું કે, હું એક પુત્ર તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યો છે.પ્રો.વેંકી અન્ય અધ્યાપકો અને આમંત્રિતોની સાથે સ્ટેજ નીચે ખુરશી પર જ બેઠા હતા.કાર્યક્રમમાં વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ અપાયું હતું.
બાયો કેમેસ્ટ્રી વિભાગના હેડ પ્રો.પુષ્પા રોબિને કહ્યું કે, સીવીઆર ચેરની સ્થાપના માટે વાઈસ ચાન્સેલરે ૩૦ લાખનું ભંડોળ પણ ફાળવવાની જાહેરાત કરી છે.જેના ભાગરુપે દર વર્ષે ભારતના કોઈ જાણીતા વૈજ્ઞાાનિકને સાયન્સ ફેકલ્ટીમાં વક્તવ્ય માટે આમંત્રિત કરાશે.આ વૈજ્ઞાાનિક પંદર દિવસ માટે રોકાશે અને ફેકલ્ટીના ઉભરતા સંશોધકો તથા યુવા અધ્યાપકોને પણ લેકચર આપશે તથા પોતાનુ જ્ઞાાન તેમની સાથે શેર કરશે.
રિસર્ચ માટે નવા લોકોની નિમણૂંક જરુરી, પ્રો.વેંકીની વીસી સાથે ચર્ચા
યુનિવર્સિટીમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે પ્રો.વેંકીએ વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે સાથે ચર્ચા વિચારણા કરી હતી.પ્રો.વેંકીએ આ દરમિયાન સૂચન કર્યું હતું કે, રિસર્ચને વેગ આપવા નવા વ્યક્તિઓની નિમણૂક થાય તે જરુરી છે.પ્રો.વેંકીએ ભવિષ્યમાં પણ યુનિવર્સિટીને શક્ય હોય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી.


