બી.ઝેડ. ફાઈનાન્સના સીઈઓ અને એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ
- કપડવંજ તાલુકાના ઘઉઆ ગામના યુવકની
- ભુપેન્દ્રસિંહની જન્મદિવસની પાર્ટીમાં લોભામણી જાહેરાત આપી 10 હજારનું રોકાણ કરાવ્યું : સીઆઈડી ક્રાઈમે બે સામે ગુનો નોંધ્યો
નડિયાદ : ઉતર ગુજરાતના બી.ઝેડ. ફાયનાન્સ ગુ્રપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરિતો દ્વારા લોકોને લોભામણી જાહેરાતો આપી, કરોડો રૂપિયાનું રોકાણ કરાવી કૌભાંડ આચરવા મામલે પોલીસ મથકે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ તાલુકાના ઘઉઆ ગામના યુવકે રૂ.૧૦ હજારનું રોકાણ કર્યા બાદ નાણાં પરત ન મળતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ખાતે ભુપેન્દ્રસિંહ અને અરવલ્લીના માલપુરના એજન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યભરના લોકોને લોભામણી લાલચો આપી કરોડોનું કૌભાંડ આચરનાર બી.ઝેડ. ગુ્રપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગત તા.૧૨ જૂન ૨૦૨૪ના રોજ સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામે પોતાના જન્મદિવસની ઉજવણી રાખી હતી. જેમાં કપડવંજ તાલુકાના ઘઉઆ ગામના કમલેશ ચૌહાણ પોતાના મિત્ર સાથે પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બી.ઝેડ. ગુ્રપના એજન્ટો અને સભ્યોએ ભુપેન્દ્રસિંહને સોનાની પાઘડી પહેરાવી હતી.
દરમિયાન કમલેશનો પરિચય મયુર દરજી (રહે. માલપુર, અરવલ્લી) સાથે થયો હતો. ત્યારે મયુરે ફાયનાન્સની સ્કીમ વિશે સમજાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તમે જેટલા પણ નાણાંનું રોકાણ કરો, તેની સામે કંપની તમને માસિક ૩ ટકા વ્યાજ તથા વાર્ષિક અથવા ફીક્સ એફ.ડી. પર વાર્ષિક ૪૮ ટકા તથા બે વર્ષ માટે રોકાણ કરો તો ૧૨૦ ટકા વ્યાજ આપશે. ત્યાં હાજર અન્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમે રોકાણ કરેલા નાણાંનું કંપની તરફથી એક એગ્રીમેન્ટ આપવામાં આવશે. તમે તમારા હાથ નીચે કોઈપણ રોકાણકાર પાસેથી રોકાણ કરાવશો તો તમને તેનું ૧ ટકા કમીશન મળશે તથા તેના નીચે અન્ય કોઈ રોકાણ કરશે તો ૦.૨૫ ટકા કમીશન મળશે તેવી મયુર દરજીએ આખી સ્કીમ સમજાવી હતી.
આથી આ લોભામણી સ્કીમમાં આવી જઈને કમલેશે રૂ.૧૦ હજારનું રોકાણ કર્યું હતું. જોકે, આ નાણાં સપ્ટેમ્બર માસમાં પરત માંગતા નાણાં આપ્યા ન હતા. જેથી તેમણે તપાસ કરતા મનીષ પ્રજાપતિ સહિત હજારો રોકાણકારો આ રીતે ઠગાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કમલેશે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં બી.ઝેડ. ગુ્રપના સીઈઓ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા (રહે. રાયગઢ, હિંમતનગર) અને મયુર દરજી સામે નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લોકોને આકર્ષવા માટે મોંઘીદાટ ભેટ આપતા હતા
ખેડા જિલ્લાના કેટલાક રોકાણકારોએ જણાવ્યું હતું કે, લોકોની આંખમાં બી.ઝેડ. ગુ્રપની ચમક દેખાડવા માટે કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસે સોનાની પાઘડી પહેરાવી હતી. તેમજ ગુ્રપના એજન્ટો અને કર્મચારીઓ દરરોજ રોકાણકારો અને સામાન્ય લોકો સુધી ભુપેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવતી મોંઘીદાટ ભેટો અંગે સતત ચર્ચાઓ કરતા રહેતા હતા. અન્ય લોકો આકર્ષાઈને આ ગુ્રપમાં રોકાણ કરે અને ભુપેન્દ્રસિંહની નજીક રહેવા સતત પ્રયાસ કરતા હતા.
એગ્રીમેન્ટ આપવાનું જણાવી રોકાણ કરાવી લીધું
બી.ઝેડ. ગુ્રપના એજન્ટ મયુર દરજીએ જે રોકાણ કરે, તેનો એગ્રીમેન્ટ આપવાનું જણાવ્યું હતું. જોકે, કમલેશે રોકાણ કર્યા બાદ મયુરે એગ્રીમેન્ટ આપવાની ના પાડી દીધી હતી. દરમિયાન દર મહિને નિયમીત વ્યાજ આવતું હતું પરંતુ સપ્ટેમ્બર માસમાં કમલેશે પોતાની મૂડી પરત માંગતા શખ્સોએ મૂડી પરત આપવાની ના પાડી દીધી હતી.