Umreth by Election 2026: ગુજરાતની એક અને મહારાષ્ટ્રની બે બેઠકો માટે આજે(23મી એપ્રિલ) યોજાયેલી પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંજે 06:00 વાગ્યા સુધીના સરેરાશ મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ઉમરેઠ પેટાચૂંટણીમાં 59.03% મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 23 એપ્રિલ 2026ના રોજ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ (111) બેઠક પર કુલ 59.03% મતદાન નોંધાયું છે, જેમાં પુરુષોનું મતદાન 61.52% અને મહિલાઓનું મતદાન 56.34% રહ્યું હતું. તેવી જ રીતે મહારાષ્ટ્રની બારામતી-201 બેઠક પર 57.48% અને રાહુરી-223 બેઠક પર 55.31% મતદાન થયું છે. આ પેટાચૂંટણી પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને ટ્રાન્સપોર્ટ જેવી ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પેટાચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીનું મતદાન
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતની ઉમરેઠ (111) બેઠક પર 5 વાગ્યા સુધીમાં 54.43% મતદાન નોંધાયું છે. બીજી તરફ, મહારાષ્ટ્રની બે મહત્ત્વની બેઠકો પર પણ મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાહુરી (223) બેઠક પર 50.68% અને બારામતી (201) બેઠક પર 52.44% જેટલું અંદાજિત મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આ આંકડાઓ પ્રાથમિક છે અને આખરી આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે.

2.45 લાખથી વધુ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય
મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર EVM પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46 ગામોનો સમાવેશ થાય છે અને 3 નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ 06 હરીફ ઉમેદવારો મેદાને છે. 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 1,26,545 પુરુષ મતદારો, 1,19,072 મહિલા મતદારો અને અન્ય 6 મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે. ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 યુવાઓ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. આ ઉપરાંત 1,644 જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા પહોંચ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં 68 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 238 મતદાન મથકો મળી કુલ 306 મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતા. જ્યાં થતી તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ મતદાન મથકો પૈકી 1 મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, 2 યુવાઓ દ્વારા સંચાલિત તથા 2 મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, જ્યારે 5 આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતા. મતદાન મથકો પર તૈનાત કરવાના EVMની યાદી ચૂંટણી લડતા ઉમેદવારોને અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સુરક્ષાની દૃષ્ટિએ 2 DYSP, 4 PI અને આશરે 500 પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે CRPFની 3 કંપનીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
ECIના સુધારેલા નિયમો અનુસાર ઉમેદવારોને મતદાન મથકોના પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના અંતરે તેમના બૂથ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જે મતદારો માટે અને તેમાં પણ ખાસ કરીને જેમની પાસે મતદાર માહિતી સ્લિપ ન હોય તેમના માટે ફાયદાકારક હતી. 101 જેટલા 85થી વધુ વયના અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરે મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી, જેના માટે ખાસ સમર્પિત ટીમો દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાનની પ્રક્રિયા ધરવામાં આવી હતી. મતદાનની સુલભતા સુનિશ્ચિત કરવા માટે 218 જેટલી વ્હીલચેરની સુવિધા રખાઈ હતી, જ્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે 361 સ્વયંસેવકો પણ ખડેપગે રહ્યા હતા. સાથોસાથ 85+ના વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોને બૂથ સુધીની નિઃશુલ્ક મુસાફરી હેતુ 6 વાહનો પણ આરક્ષિત રાખવામાં હતા. તદુપરાંત ગરમીને ધ્યાને રાખીને તમામ કેન્દ્રો પર ORS, મંડપ/શેડ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી. કેન્દ્ર પર મતદારોને જરૂરી તમામ માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્સ બૂથ પણ તૈયાર કરાયા હતા જ્યાં મતદારોના મોબાઈલની જાળવણી માટે પણ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
ઉમરેઠ બેઠક પર કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. બંને પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે હવે જનતા કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો