ઘોઘા પંથકમાં પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાત
- પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી
- યુવક અને સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, એક નહીં થઈ શકવાના ભયથી મોતને ભેટયા
ભાવનગર : ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા એક યુવક અને એક સગીરાએ આજે સવારના સુમારે ઘોઘા પંથકમાં ગળાફાંસો ખાઈ આત્મહતા કરી લીધી હતી. આ બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના કરચલિયાપરામાં રહેતા જયેશભાઈ હિંમતભાઈ બારૈયા (ઉ.વ.૨૫)એ અને ૧૫ વર્ષની એક સગીરાએ આજે સવારના સુમારે ઘોઘા-કુડા રોડ પર મેલડી માતાના મંદિર પાસે બાવળના ઝાડ સાથે દોરી બાંધી તેના વડે ગળાફાંસો ખાઇ લટકી જઇ આપઘાત વ્હોર્યો હતો. બનાવના પગલે ઘોઘા પોલીસે દોડી જઇ મૃતદેહો નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતાં. જયારે ઘટનાની જાણ થતા બંનેના પિરવારના સભ્યો પણ દોડી આવ્યા હતાં. આ અંગે ઘોઘા પોલીસે જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેને એક નહીં થઇ શકવાનો ભય લાગતા યુવક અને સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.