ગુજરાતમાં પેટાચૂંટણી: કડી અને વિસાવદરમાં 54 ટકાથી વધુ મતદાન, હવે પરિણામની રાહ જોવાશે
Image: X (Collector Junagadh) |
Gujarat Kadi-visavadar bypoll Election | આજે (19 જૂન) ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઇ હતી. સાંજે છ વાગ્યા સુધીમાં વિસાવદરમાં આશરે 56.89 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન થયું. મતદાન દરમિયાન કડીમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જોકે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
ELECTION UPDATES:
કડીમાં બે જૂથો વચ્ચે વિખવાદ
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બુથ નંબર 134 અને 154 પર બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. સામાન્ય બાબતે રજૂઆત કરવાના મુદ્દે થયેલી આ બબાલના કારણે ઘટનાસ્થળે મામલો બિચક્યો હતો. જોકે, સુરક્ષાના ધોરણને ધ્યાને રાખી તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સમગ્ર ઘટનાને થાળે પાડવામાં આવી હતી.
3 વાગ્યા સુધીનું મતદાન
વહેલી સવારથી કડી અને વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ છે. જોકે, સવારે મતદાનની ટકાવારી ઓછી હતી. ત્યારબાદ 10 વાગ્યા પછી મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 વાગ્યા સુધીમાં કડીમાં 36% અને વિસાવદરમાં 43% મતદાન નોંધાયું છે.
મોબાઇલ ફોન માટે કરાઈ વ્યવસ્થા
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં મતદારો વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. જોકે, વિપક્ષ દ્વારા અવાર-નવાર ચૂંટણીમાંં ગેરરીતિને લઈને ચૂંટણી પંચને ઘેરવામાં આવે છે, જેના માટે આ વખતે ચૂંટણી પંચે કોઈ પ્રશ્ન ઊભા ન થાય તે માટે વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈપણ મતદારો મતદાન ક્ષેત્રમાં ફોન લઈને ન જાય તે માટે ફોન મૂકવાની વ્યવસ્થા કરી છે. જેના માટે ખાસ સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યા છે, જે આ મોબાઇલ ફોનનું ધ્યાન રાખશે. આ વિશે માહિતી આપતા ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'હવે કોઈ બહાના નહીં ચાલે. અમે મતદાન મથકની બહાર મોબાઇલ ફોન મૂકવાની સુવિધા પૂરી પાડીએ છીએ. તેથી જાવ અને મતદાન કરો.'
12 વાગ્યે મતદાનમાં વધારો
વહેલી સવારથી કડી અને વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ છે. જોકે, સવારે મતદાનની ટકાવારી ઓછી હતી. ત્યારબાદ 10 વાગ્યા પછી મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 વાગ્યા સુધીમાં કડીમાં 25% અને વિસાવદરમાં 32% મતદાન નોંધાયું છે.
10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?
કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 10 વાગ્યા સુધીમાં કડીમાં 13 ટકા અને વિસાવદમાં 15 ટકા મતદાન નોંધાયું છે. જોકે, મતદાન હાલ ધીમી ગતિએ જોવા મળી રહ્યું છે, જોકે, સાંજ સુધીમાં મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.
વિસાવદર ભાજપ ઉમેદવારે ઢોલ-નગારા સાથે કર્યું મતદાન
વિસાદવરમાં ભાજપના ઉમેદવાર કીરિટ પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ઢોલ-નગારાના તાલે આણંદપુર મતદાન મથકે પોતાના સમર્થકો અને પરિવાર સાથે મતદાન કર્યું હતું.
9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?
કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 9 વાગ્યા સુધી કડીમાં 9.50 ટકા અને વિસાવદમાં 12.10 ટકા મતદાન નોંધાયું છે.
આ રાજ્યોની 3 બેઠકો માટે પણ મતદાન શરૂ
ગુજરાત ઉપરાંત કેરળના નીલાંબુર, પંજાબના લુધિયાણા પશ્ચિમ, પ.બંગાળના કાલીગંજની વિધાનસભા બેઠકો ઉપર પણ પેટાચૂંટણી માટે મતદાનની શરુઆત થઇ ચૂકી છે.
કડી બેઠકની શું છે સ્થિતિ?
કડી બેઠકની વાત કરીએ તો અહીં 289927 મતદારો માટે 294 મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન મથકે કુલ 1900થી વધુ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરાયા છે.
વિસાવદર બેઠકની શું છે સ્થિતિ?
વિસાવદર બેઠકમાં 17 શહેરી તથા 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનું આયોજન કરાયું છે. વિસાવદરમાં 261092 મતદારો છે. એટલા માટે કુલ 1884 પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનની કાર્યવાહી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.