ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું
મોડી રાત સુધી વિવિધ વિસ્તારમાં ભકતો દ્વારા રંગેચંગે માને વિદાય અપાઈ
અમદાવાદ,શનિવાર,2 ઓગસ્ટ,2025
અમદાવાદમાં પહેલા દિવસે દશામાની દસ હજારથી વધુ નાની-મોટી
મૂર્તિનું વિવિધ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૧૮ જેટલા કુંડમાં
વિધિવત વિસર્જન કરવામાં આવ્યુ હતુ. મોડી રાત સુધી વિવિધ વિસ્તારમાં ભકતો માની
મૂર્તિ લઈ રંગે ચંગે ભકિતભાવપૂર્વક વિદાય આપતા નજરે પડયા હતા. કોર્પોરેશન અને ફાયર
વિભાગ દ્વારા રવિવારે પણ દશામાની મૂર્તિના વિસર્જન માટે તમામ તૈયારી કરાશે.
દિવાસાના દિવસથી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં ઘણી મોટી
સંખ્યામાં આધિ,વ્યાધિ
અને ઉપાધીથી મુકત રાખે એવી ભાવના સાથે દશામાની મૂર્તિનુ સ્થાપન કર્યુ હતુ.
કોર્પોરેશન દ્વારા શહેરના વિકટોરીયા ગાર્ડન પાસે, ટાઉનહોલ પાસે રિવરફ્રન્ટ જવાના રસ્તે તેમજ સોમનાથ ભુદરના
આરે,જમાલપુર
પાસે ભાવિકોના સ્વાગત માટે ખાસ પ્રકારના સ્ટેજ બનાવવામા આવ્યા છે.આ ઉપરાંત ફાયર
વિભાગ દ્વારા દરેક ઝોનમાં ફાયરના અધિકારીઓ,રેસ્કયૂ
સાધનો સાથેની ટીમ ફરજ ઉપર મુકવામા આવી છે. શનિવારે સવારથી જ અલગ અલગ વિસ્તારોમાંથી
ભકતો માની મૂર્તિ સાથે અબીલ અને ગુલાલની છોળો ઉડાડતા તથા પ્રાર્થના કરતા
કોર્પોરેશન તરફથી બનાવેલા કુંડ સુધી પહોંચ્યા હતા.જયાં અશ્રુભીની આંખે માને વિદાય
આપવામા આવી હતી.કોર્પોરેશનના સોલિડવેસ્ટ વિભાગ તરફથી વિવિધ ૨૫ લોકેશન અને ૧૮ કુંડ
ખાતે ૨૦૦થી વધુ કામદાર અને ૨૭થી વધુ વાહનની મદદથી મૂર્તિઓ એકઠી કરી પીરાણા ખાતે
આવેલી ડમ્પસાઈટ ખાતે વિધિવત રીતે મૂર્તિઓનો નિકાલ કરવામા આવે છે.