Gujarat

વેપારીએ દાગીના બનાવવા માટે આપેલી રૂા.1.40 કરોડની ચાંદી ઓળવી લીધી

By GS TEAM
14 Nov 20252 mins read
વેપારીએ દાગીના બનાવવા માટે આપેલી રૂા.1.40 કરોડની ચાંદી ઓળવી લીધી

લક્ષ્મીવાડીમાં રહેતા કારીગર પિતા-પુત્રનું કારસ્તાન

વેપારી 20 વર્ષથી આરોપીઓ પાસેથી દાગીના બનાવડાવતા હતા છતાં વિશ્વાસઘાત કર્યો

રાજકોટ: રાજકોટમાં વેપારીઓનું સોનુ-ચાંદી કારીગરો ઓળવી જતાં હોવાના બનાવો યથાવત્ રહ્યા છે. શ્રોફ રોડ પર ગેલેક્સી ટાઉન હોમ્સમા રહેતા અને સોની બજારના દરબારગઢ ચોકની બાજુમાં ડાયમંડ ચેમ્બર્સમાં પદ્માવતી ટ્રેડર્સ નામથી ચાદીના દાગીનાનું વેચાણ કરતાં જીતેન્દ્રભાઈ જૈન (ઉ.વ.૪૩)ની રૂા. ૧.૩૯ કરોડની ચાંદી લક્ષ્મીવાડી શેરી નં. ૧૭માં રહેતા કારીગર હરેશ નટવરલાલ કારેલિયા અને તેનો પુત્ર પ્રશાંત ઉર્ફે પિન્ટુ ઓળવી ગયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જેમાં જીતેન્દ્રભાઈએ જણાવ્યું છે કે બંને આરોપીઓ પાસેથી છેલ્લા વીસેક વર્ષથી ચાંદીના દાગીના બનાવડાવે છે. આરોપીઓને દાગીના બનાવવા માટે ગત જૂન માસમાં કટકે-કટકે કુલ ૯૦,૬૨૧ કિલોગ્રામ ફાઇન ચાંદી લક્કી અને પટ્ટા બનાવવા માટે આપી હતી. એકાદ મહિનામા આરોપીઓએ દાગીના બનાવી આપવાની વાત કરી હતી. એકાદ માસ બાદ કોલ કરતાં આરોપીઓએ થોડો સમય માંગ્યો હતો.

ત્યાર પછી અવારનવાર કોલ કરતાં આરોપીઓ થોડો-થોડો સમય માંગતા રહ્યા હતાં. આખરે આરોપીઓએ તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ રીતે આરોપીઓએ તેની રૂા. ૧.૩૯ કરોડની ચાંદી ઓળવી લીધી હતી. 

જેથી ગઇકાલે રાત્રે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સોની બજારના જ વેપારીઓના અંદાજ મુજબ ચાલુ વર્ષમાં જ વેપારીઓનું અંદાજે ૫૦ કરોડનું સોનુ બંગાળી અને બીજા કારીગરો ઓળવી ગયા છે. આ પ્રકારની ઘટનાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. 

એ ડીવીઝન પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.