Get The App

સુરત દારુ પાર્ટી વિવાદ: PSI સાથે ઝપાઝપી કરનાર જૈનમ શાહની ધરપકડ, દિવાળી બાદ કરાઈ કાર્યવાહી

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
સુરત દારુ પાર્ટી વિવાદ: PSI સાથે ઝપાઝપી કરનાર જૈનમ શાહની ધરપકડ, દિવાળી બાદ કરાઈ કાર્યવાહી 1 - image


Jainam Shah Arrested: સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં દારૂની પાર્ટી યોજાય તે પહેલાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન PSI સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ જૈનમ શાહને આજે  ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઘટનાની શરૂઆતમાં અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની બેદરકારી પર અનેક સવાલો ઉઠ્યા હતા. લોકો દ્વારા આંગળી ચીંધાતા અને મામલો ગરમાતા તંત્ર હરકતમાં આવ્યું હતું.

આખરે પોલીસ તંત્રની બેદરકારી પર સવાલો ઉઠતાં અને દબાણ વધતાં અલથાણ પોલીસે બે નોટિસ બાદ જૈનમ શાહ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના? 

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કે.એસ. અંતરવન હોટેલના ગેટ પાસે પાર્ક કરેલી એક કારમાં ગત 17 ઓક્ટોબરના રોજ દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે અલથાણ પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આઇપીએસ ઓફિસર્સ સાથે ઘરોબો ધરાવતા કેમિકલ વેપારી સમીર શાહના પુત્રએ વિડીયો રેકોર્ડિંગ કરનાર વ્યક્તિ સાથે માથાકૂટ કર્યા બાદ ફરજ પરના પીએસઆઇ સાથે પણ ઝપાઝપી કરતા મામલો ગરમાયો હતો.

અલથાણ પોલીસ સ્ટેસનના પીઆઇ દિવ્યરાજસિંહ ચૌહાણને બાતમી મળી હતી કે વેસુ કેનાલ રોડ સ્થિત ડીએમડી પેસેફીક સામેની કે.એસ. અંતરવન હોટેલની બહાર પાર્ક બલેનો કાર (નં. જીજે-5 - આરએ-4399)માં દારૂની પાર્ટી ચાલી રહી છે. બાતમીના આધારે પીએસઆઈ એન.ડી. પરમાર અને બી.બી. પટેલ સહિતની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

કારની તપાસ દરમિયાન, પોલીસને કેમિકલ વેપારી સમીર મહેન્દ્ર શાહે આમંત્રિત મહેમાનો માટે કોકટેલ બનાવવા મંગાવેલા 9 બિયરના ટીન થર્મોકોલના બોક્સમાંથી મળી આવ્યા હતા. પોલીસે કાર માલિક વ્રજ જયેશ શાહ (ઉ.વ. 31, રહે. સિટીલાઇટ રોડ, સુરત)ને શોધી કાઢ્યો હતો.

પોલીસ કાર્યવાહી દરમિયાન આઈપીએસ ઓફિસર્સ સાથે ઘરોબો ધરાવતા કેમિકલ વેપારી સમીર મહેન્દ્ર શાહનો પુત્ર જૈનમ શાહ (ઉ.વ. 48, રહે. પાર્લેપોઈન્ટ, સુરત) ત્યાં આવી પહોંચ્યો હતો. આ સમયે એક યુવાને જૈનમનું વિડીયો રેર્કોડીંગ કરવાનું શરૂ કરતા જૈનમે તેનો વિરોધ કર્યો અને માથાકૂટ થઈ હતી.

સ્થળ પર હાજર પીએસઆઈ બી.બી. પટેલે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પિતાના પોલીસ વિભાગમાં ઘરોબાને કારણે ઉશ્કેરાયેલા જૈનમે પીએસઆઇ સાથે ઉધ્ધતાઈથી વર્તન કરી ઝપાઝપી કરી હતી. હોટેલ બહારના આ ધમાસાણની જાણ થતાં જ જૈનમના પિતા સમીર શાહ અને અન્ય મહેમાનો પણ દોડી આવ્યા હતા.

પોલીસ સાથે ઝપાઝપી કરવા બદલ જૈનમને બળપ્રયોગ કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જૈનમની માતા સહિત ત્રણથી ચાર મહિલાઓએ પોલીસની માફી માંગીને તેને છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

માતા સહિતની મહિલાએ કહ્યું બચ્ચા હે....ને પોલીસે માફી પત્ર લખી જવા દીધો 

વિડીયો રેકોંડીંગ મુદ્દે યુવાન સાથે માથાકૂટ કરનાર કેમિકલ વેપારીના પુત્ર જૈનમ શાહને પીએસઆઈ બી.બી. પટેલે સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાંધીનગરની પીડીપી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય જૈનમ ઉધ્ધતાઈ ઉપર ઉતરી આવ્યો હતો. પિતાની આઈપીએસ અધિકારીઓ સાથેની બેઠક હોવાથી પોતાનું કોઈ કંઈ કરી શકશે નહીં એવું સમજી - પીએસઆઈ પટેલ સાથે પણ ઝપાઝપી કરતા પોલીસે બળપ્રયોગ કરી પોલીસ વાનમાં બેસાડયો હતો. આ અરસામાં તેની માતા સહિત ત્રણથી ચાર મહિલાએ બચ્ચા હૈ સર એમ કહી છાવરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જયાં પણ જૈનમ બાજ આવ્યો ન હતો જો કે પરિવારની આજીજી અને છેવટે જૈનમે માફી પત્ર લખી આપતા તેની અટકાયત કર્યા બાદ મુક્ત કર્યો હતો.


Tags :