Get The App

જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો : મકાન ભાડે આપ્યાના 30 કલાકમાં 1 લાખનો હાથફેરો

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો : મકાન ભાડે આપ્યાના 30 કલાકમાં 1 લાખનો હાથફેરો 1 - image


Jamnagar Theft Case : જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દરજી વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો થયો છે. અને માત્ર 30 કલાક માટે ભાડે રહેવા માટે આવેલા એક દંપતિ સહિત ત્રણ શખ્સો રૂપિયા એક લાખની માલમતા ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને સકંજામાંમાં લીધા છે, અને ચોરાઉ સામગ્રી કબજે કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર 1 માં રહેતા અને પોતાના મકાનની બાજુમાં જ દરજીકામની દુકાન ચલાવતા રાહુલભાઈ વસંતભાઈ પીઠડીયા નામના 50 વર્ષના દરજી વેપારીએ પોતાના મકાનમાં ભાડેથી રહેવા માટે આવ્યા પછી તેના રૂમમાં રાખેલો પોતાનો કબાટ કે જેનો લોક તોડી નાખી અંદરથી સોના ચાંદીના દાગીના, રોકડ તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 95,700 ની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ હિમાંશુ જયંતીભાઈ સોલંકી તેની પત્ની કાજલ તથા અન્ય એક મિત્ર અશોક સામે નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રાહુલભાઈના પાડોશમાં રહેતા એક પરિચિત એવા બુઝુર્ગે હિમાંશુ સોલંકી કે જેણે પોતાની જાડેજા સરનેમ બતાવી હતી, અને ખોટું આધાર કાર્ડ દેખાડી સિક્યુરિટી વિભાગમાં નોકરી કરે છે, અને મકાન ભાડેથી જોઈએ છે. તેમ જણાવી ભાડેથી રહેવા માટે આવ્યા હતા, અને રાહુલભાઈ પોતે એકલા રહેતા હોવાથી પોતાનો ઉપરનો મકાનનો ભાગ ખાલી હોવાથી પાડોશીના કહેવાના લીધે ભરોસો રાખીને મકાન ભાડેથી આપ્યું હતું.

જેમાં હિમાંશુભાઈ સોલંકી તેની પત્ની કાજલ અને તેનો અન્ય એક મિત્ર અશોક અને બાળકો વગેરે ભાડેથી રહ્યા હતા. તેઓ અચાનક ભાડેથી આવ્યા હોવાથી રાહુલભાઈ નો એક કબાટ કે જે તેઓના રૂમમાં પડ્યો હતો, જે બે ત્રણ દિવસમાં ખસેડી લેશે. તેમ કહ્યું હતું. જેનો ગેરલાભ લઈને આરોપી હિમાંશુ સોલંકી વગેરેએ કબાટનો લોક તોડી નાખ્યો હતો, અને અંદર રાખેલા સોના ચાંદીના ઘરેણા તેમજ રૂપિયા 60700 ની રોકડ રકમ વગેરે મળી 95,700 ની માલમતા ચોરી કરી લીધી હતી. 

ત્યારબાદ તમામ આરોપીઓ કે જેઓએ રાહુલભાઈને જણાવ્યું હતું કે તમારા પત્નીનું કોરોના કાળ દરમિયાન અવસાન થયું છે, તે અમને રૂમમાં સફેદ કપડું ઢાંકીને સૂતેલા દેખાય છે, અને અમને ડર લાગે છે તેમ કહીને નીચે ઉતરી ગયા હતા. અને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. 

ત્યારબાદ પાછળથી રાહુલભાઈએ પોતાના કબાટનું ઉપર જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. દરમિયાન આરોપી હિમાંશુ સોલંકીને પોલીસે  શોધી કાઢ્યો હતો, અને તેની પૂછપરછ હાથ ધરી છે. તેમજ ચોરાઉ સામગ્રી વગેરે કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપી જામનગર નો જ વતની છે, પરંતુ તેણે ખોટી ઓળખ આપી અન્ય વ્યક્તિનું આધાર કાર્ડ બતાવીને મકાન ભાડેથી મેળવ્યું  હોવાનું જાણવા મળ્યું છે.

Tags :