- ઘરને તાળું મારી ભાઇને લેવા અમદાવાદ ગયા ને
- પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતના કાફલા સાથે દોડી જઇ તપાસ હાથ ધરવામાં આવી
બાલાસિનોર : બાલાસિનોરના હુસેની ચોકમાં રહેતા વેપારીના બંધ મકાનનો નકૂચો તોડીને તસ્કરો તિજોરીમાં રાખેલા રૂ.૫.૮૬ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થયા હતા. વેપારી ઘરને તાળાં મારીને પોતાના ભાઇને તેડવા માટે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, આ સમયે તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલાએ દોડી જઇને આગળની તપાસ હાથ ધરી છે.
બાલાસિનોર ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેપારી અલ્તાફબેગ હુસેનબેગ મિરઝાએ જણાવ્યું છે કે, ગત તા.૨૧ના રોજ તેમના અબુધાબી ખાતે રહેતા ભાઇ ઇરફાનબેગ ઘરે આવી રહ્યા હોવાથી રાત્રિના સમયે ઘરને તાળાં મારીને તેના ભાઇને લેવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. સવારે સાડા પાંચ વાગ્યે ભાઇને લઇને અમદાવાદથી પરત બાલાસિનોર જવા નિકળ્યા હતા. સવારે સાતેક વાગ્યે તેમના સાળાએ ઘરમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ ઘરે આવીને તપાસ કરતા લોખંડની જાળીના નકૂચાને મારેલ તાળું તોડી નાખેલી હાલતમાં હતું. ત્યાર બાદ ઘરમાં જઇને તપાસ કરતા તિજોરીમાંથી સોના-ચાંદીના રૂ.૫.૮૬ લાખની કિંમતના ઘરેણાં ગાયબ હતા તથા કપડાં સહિતની વસ્તુ વેરણ-છેરણ પડી હતી. ઘટના અંગે જાણ થતા બાલાસિનોર પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલના કાફલા સાથે ધસી જઇને આગળની તપાસ હાથ ધરી છે.


