Jamnagar Police : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 47 માં રહેતા અને ભંગારનો વેપાર કરતા પુનિત દિવાનભાઈ થધાણી નામના 26 વર્ષના વેપારી યુવાને પોતાને તેમજ પોતાની પત્ની અને દોઢ મહિનાના બાળકને પતાવી દેવાની ધમકી આપવા અંગે ધ્રોલના ગાયત્રી નગરમાં રહેતા અનિરુદ્ધસિંહ ગંભીરસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પુનિત કે જેણે આજથી એક વર્ષ પહેલાં એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના થકી દોઢ મહિનાનું બાળક થયું છે, જે ને લઈને તળાવની પાળે બાલા હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, જે દરમિયાન આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા કે જેની અગાઉ વેપારી યુવાનની પત્ની સાથે સગાઈ થઈ હતી, પરંતુ તેણીને તે સગાઈ પસંદ ન હતી, અને સીંધી વેપારી પુનિત સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાથી અનિરુદ્ધસિંહ જાડેજા ઉશ્કેરાયો હતો, અને મોબાઈલ ફોનમાં ત્રણેયને પતાવી દેવાની ધમકી આપી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેથી પોલીસે અનિરૂઘ્ધસિંહ જાડેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


