વડોદરાના વેપારીની કાર ભાડે ફેરવવા લઈને બારોબાર સોદો કરી દીધો
Vadodara Car Rent Scam : વડોદરાના પાદરાની શ્રીજી હોસ્પિટલ નજીક બંસીધર ફ્લેટમાં રહેતા હસમુખભાઈ ગેલાભાઈ પાડલીયા મૂળ જુનાગઢના વતની છે અને અહીંયા છૂટકમાં ચાનો વેપાર કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2020મા મેં આણંદથી સેકન્ડ હેન્ડ કાર 4.60 લાખમાં લીધી હતી. બે વર્ષ પછી મારે પૈસાની જરૂર પડતા અમે કાર ભાડે આપવાનું નક્કી કરી સોશિયલ મીડિયા પર OLX તથા ફેસબુક પર જાહેરાત મૂકી હતી અને મારો નંબર લખ્યો હતો.
તે નંબર પર વડોદરાના હિતેશ પ્રજાપતિએ મને કોલ કરીને તેની તરસાલી બાયપાસ પાસે દ્વારકેશ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં મળવા બોલાવ્યો હતો જેથી હું તેને મળવા ગયો હતો. તેને મારી પાસેથી કારની ચાવી આરસી બુક લઈ લીધા હતા. તેમજ દર મહિને 21 હજારનું ભાડું નક્કી કરી પહેલું ભાડું એડવાન્સમાં આપી દીધું હતું. ત્યારબાદ તેણે મને ભાડું આપ્યું ન હતું અને ગલ્લા તલ્લા કરતો હતો. ત્યારબાદ હિતેશ પ્રજાપતિએ મને કહ્યું કે તમે કાર ચોરી થયાની ફરિયાદ આપી દો..હું વડોદરામાં નથી રહેતો. મકરપુરા પોલીસે હિતેશચંદ ગુલાબભાઈ પ્રજાપતિ, (રહે-માતૃકા સોસાયટી માંજલપુર, મૂળ રહે-માઘોડાર, ગામ તાલુકો વાઘોડિયા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.