Get The App

ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા 1 - image

બાલાસિનોરમાં રૂ.1.45 લાખના

ખેડાના ગાંધીપુરા ગામનો વેપારી બાકી રકમ ન ચૂકવે તો વધુ 30 દિવસની કેદનો બાલાસિનોર કોર્ટનો હુકમ

બાલાસિનોર: બાલાસિનોરના વેપારીને ખેડા તાલુકાના ગાંધીપુરા ગામના ટ્રેક્ટરની ટ્રોલી બનાવતા ધંધાર્થીએ આપેલો રૂ.૧.૪૫ લાખનો ચેક રિટર્ન થતા એડિશ્નલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ થયો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે ગાંધીપુરા ગામના વેપારીને ૬ માસની કેદની સજા ફટકારી છે.

બાલાસિનોરના તલાવ દરવાજા વિસ્તારમાં રહેતા અને ગાડી લે-વેચનું કામ કરતા સલીમભાઇ ગુલામરસુલ શેખે ટ્રેક્ટરની બે ટ્રોલી બનાવવા માટે ખેડા તાલુકાના ગાંધીપુરા ગામના ન્યુ અંબિકા ટ્રેલર એન્ડ એન્જિનિયરિંગ વર્ક્સના વેપારી સચીન ભલાભાઇ પરમારને નક્કી થયેલા ભાવ અનુસાર રૂ.૨.૪૫ લાખની રકમ ટૂકડે ટૂકડે આપી હતી.૩૦ દિવસમાં બંને ટ્રોલી બનાવી આપવાનો વાયદો કર્યો હતો.જે મુજબ ફરિયાદી ટ્રોલી લેવા જતા એક ટ્રોલી કાચી તૈયાર થઇ હતી.બીજી ટ્રોલી બનાવી જ ન હતી. પરિણામે કાચી ટ્રોલીનો હિસાબ કરી બાકીની વધારાની રકમ પરત કરવા માટે સચીને રૂ.૧.૪૫ લાખની રકમનો ચેક આપ્યો હતો.જે ચેક સલીમભાઇએ બેન્કમાં ભરતા અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો. આ અંગે જાણ કરતા આરોપીએ નાણાં આપવાનો ઇન્કાર કરી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જેના પગલે સલીમભાઇએ બાલાસિનોરની એડિશ્નલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં  કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતા બંને પક્ષોની રજૂઆત સાંભળીને ન્યાયાધીશ બી.એન.દવેએ આરોપી સચિનને ૬ માસની સાદી કેદની સજા અને બાકી રૂ.૧.૪૫ લાખની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. તેમજ વળતરની રકમ ભરપાઇ ન કરે તો વધુ ૩૦ દિવસની સાદી કેદનો હુકમ પણ ફરમાવ્યો છે.