શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી
સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્
એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને બેંકની વિગતો ભરાવી રૃપિયા પડાવ્યા ઃ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ
શહેર કે રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છેલ્લા ઘણા
સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરના સેક્ટર
૨૯માં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા વધુ એક વેપારી સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા
હતા. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વેપાર કરતા વિરેન સર્વદમન
શાહને ગત ૧ ડિસેમ્બરના રોજ તેમના વોટ્સઅપ નંબર પર કોઈ અજાણ્યા ઇસમે તેમને એક સ્ટડી
ગુ્રુપમાં એડ કર્યા હતા. આ ગુ્રુપમાં શેરબજારની લે-વેચ વિશેની માહિતી આપવામાં આવતી
હતી.આ દરમિયાન, 'આનંદ
આર્યા' નામની
વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો અને '
એડ બીર કેપેબલ નામની એપ્લિકેશનમાં રોકાણ કરવાથી વધુ નફો થશે તેમ જણાવ્યું
હતું. જેથી વિરેનભાઈ તેમની વાતમાં આવીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા માટે તેમના પાનકાર્ડ, આધારકાર્ડ અને ૬ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જેવી અંગત માહિતી
આપી હતી. ત્યારબાદ, ૧૬ થી ૨૮
ડિસેમ્બર દરમિયાન, વિરેનભાઈ
પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ૧૮,૩૭,૧૦૦ રૃપિયા
ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. શરૃઆતમાં એપ્લિકેશનમાં રોકાણ સામે સારો નફો
બતાવવામાં આવ્યો હતો, જેનાથી
વિરેનભાઈનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો.
જોકે,
જ્યારે વિરેનભાઈને એક બીજા આઇપીઓમાં રોકાણ કરવા માટે ૩૪,૫૦,૧૬૨ જેવી મોટી
રકમ ભરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે તેમને શંકા ગઈ કે આ ફ્રોડ હોઈ શકે છે.
તેમણે આ રકમ ટ્રાન્સફર કરી નહિ અને તપાસ કરતા પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ
આવ્યું હતું.
જેથી સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ ગાંધીનગર
રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.