ઉછીના આપેલા ત્રણ લાખના મુદ્દે વેપારી પર હુમલો
દુકાનમાં મૂકેલા લેપટોપ અને મોબાઇલ નીચે ફેંકીને તોડી નાંખ્યા
વડોદરા,ઉછીના આપેલા રૃપિયા ત્રણ લાખની તકરારમાં સ્ટીલના વેપારીની દુકાન પર જઇ હુમલો કરી તોડફોડ કરનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દિવાળીપુરા આરાધ્ય રેસિડેન્સીમાં રહેતા દિનેશ કિશનલાલ પુરોહિત વડસર બ્રિજ રોડ પર વિધિ ઇમ્પેક્સ સ્ટીલ નામની દુકાન ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સ્ટીલનું કામ કરતા અમારા સમાજના અશોક તગારામ પુરોહિતને મેં ત્રણ લાખ ઉછીના આપ્યા હતા. તે રૃપિયા તે પરત આપતો નથી. ગત તા. ૨૬ મી એ હું તથા મારા બનેવી જગમાલભાઇ દુકાન પર હાજર હતા. સાંજે છ વાગ્યે અશોક પુરોહિત (રહે.અક્ષર રેસિડેન્સી, વડસર રોડ, માંજલપુર) તથા લાખાભાઇ આવ્યા હતા.તું વારેઘડિયે મારી પાસે કેમ પૈસા માંગે છે ? તેવું કહીને તેઓ મને ગાળો બોલવા લાગ્યા હતા. અશોકે પાઇપ વડે હુમલો કરી મને પગ તથા હાથ પર ઇજા પહોંચાડી હતી. તેમજ દુકાનમાં ટેબલ પર મૂકેલા મોબાઇલ ફોન અને લેપટોપ નીચે ફેંકી દીધા હતા. ઝઘડા અંગે સમાજમાં પંચ ભેગુ કર્યુ હતું. પરંતુ, સમાધાન થયું નહતું.