વડોદરા: ધંધાકીય અદાવતે ધીંગાણું, 25 શખ્સો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો, 15ની ધરપકડ
Image Source: Freepik
વડોદરા, તા. 23 ઓગસ્ટ 2023 બુધવાર
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ખાતે 20 ઓગસ્ટના રોજ મોડીરાત્રે ધંધાકિય અદાવતે સંબંધીઓમાં ધીંગાણું સર્જાતા વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી. આ ઘટનામાં બંને પક્ષની કેટલીક વ્યક્તિઓને નાનીવતી ઈજા પહોંચવાની સાથે લક્ઝરીયસ કારોના કાચ તૂટ્યા હતા. બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે પોલીસે ઓળખ થયેલ 13 શખ્સો તેમજ અન્ય અજાણ્યા 12 શખ્સો વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, સુશેન તરસાલી રોડ ખાતે રહેતા સુરેન્દ્રભાઈ ભાર્ગવ જ્યોતિષ અને પૂજાપાઠનું કાર્ય કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મામાના દિકરા નો દીકરો અમિત ઉર્ફે અજીત ભાગચંદ જોશી (રહે- સ્વર્ણિમ સેફાયર એપાર્ટમેન્ટ, વાસણા ભાયલી રોડ) એ મને તથા મારા ભાઈ છોટુને ઘરની સામે આવેલ પેટ્રોલ પંપ ખાતે બોલાવ્યા હતા. અને ધંધાની અદાવત રાખી તારે મારાથી શું તકલીફ છે તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતા. અને હુમલો કરવાના ઇરાદાથી આવ્યો હોય આ સમયે બે - ત્રણ કારમાં અનિલકુમાર ભાર્ગવ, સુમિત જોશી, ભાવેશ જોષી કુંદન ખટીક, રવિકુમાર જોશી, સુશીલ ભાર્ગવ, રાહુલ ભાર્ગવ તથા અન્ય બીજા શખ્સો ઘસી આવ્યા હતા. અને અમારી સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે મારો ભાઈ દીપક સત્યનારાયણ ભાર્ગવ, તરુણ ભાર્ગવ, તથા વિષ્ણુ સત્યનારાયણ ભાર્ગવ પણ આવી પહોંચ્યા હતા. સામા પક્ષે અમે ચારેય ભાઈઓને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. અને આગળ જુઓ તમારી શું હાલત થાય છે તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાખોરો નશાની હાલતમાં હોવાનું જણાય આવ્યું હતું. લોકટોળા એકત્ર થતાં હુમલાખોરો પોતાની કારોમાં નાસી છૂટ્યા હતા. તો સામા પક્ષે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં અકોટા વિસ્તારમાં રહેતા અને રાશિ રત્નનો વેપાર કરતા અનિલ બાબુલાલ ભાર્ગવએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાણીયો સુમિત્ત તેની ઓડી કારમાં મને તરસાલી ખાતે સુરેન્દ્ર ભાર્ગવને મળવા માટે લઈ ગયો હતો. જ્યાં તેઓ વચ્ચે ધંધાકીય બાબતે વાતચીત ચાલી રહી હતી. તે સમયે ઝઘડો થતાં તરુણ ભાર્ગવ તથા વિષ્ણુ ભાર્ગવ પણ દોડી આવ્યા હતા અને અમારી સાથે મારામારી કરી હતી. જેથી હુંએ અમારા ઓળખીતા મનોજ પરિહાર, સુશીલ ભાવિક, વિરેન્દ્ર ,સંજય ,વિશાલ, ભાવિક, શિવલાલ તથા ભાવેશને જાણ કરતાં તેઓ ફોર્ચ્યુનર કાર લઇ આવી પહોંચ્યા હતા. સામા પક્ષે દંડા વડે અમારી ઉપર હુમલો કરી બંને કારના કાચ દંડા મારી તોડી નાખ્યા હતા. ગંભીર જાનહાની ન થાય તેથી અમે કારમાં નીકળતા હતા તે સમયે સામા પક્ષે અમારી ઓડી કાર ઉપર પથ્થર મારી કારને નુકસાન પહોંચાડ્યું છે. ઝપાઝપીમાં સુમિતની ચેન પણ ગુમ થઈ છે.