સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી

- રાત્રિના તમામ બસો બસ સ્ટેન્ડમાં આવે તેવી માંગ
- મુસાફરો બસમાં બેસવા મોડી રાત્રે આણંદ ચોકડી પર ઉભા રહેવા માટે મજબૂર બન્યાં
આણંદ : સૌરાષ્ટ્ર તરફના રૂટની બસ વડોદરા અને સુરત તરફથી આવતી હોય છે, પરંતુ રાત્રિના સમયે આ બસ બોરસદ ડેપોમાં જતી નથી. જેથી મુસાફરો બસમાં બેસવા માટે રાત્રિના સમયે આણંદ ચોકડી પર ઉભા રહેવા મજબૂર બન્યાં છે.
બોરસદ સહિત આજુબાજુના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વતનીઓ મોટા પ્રમાણમાં રહે છે. તેમને પોતાના વતનમાં જવા માટે બસની અસુવિધાથી સમસ્યા સર્જાઈ રહી છે. મુસાફરોના જણાવ્યા મુજબ, રાત્રિના ૧૦થી સવારના ૪ વાગ્યા સુધીમાં અંદાજે ૬ જેટલી સૌરાષ્ટ્ર તરફ જતી બસ વડોદરા અને સુરત તરફથી આવતી હોય છે, પરંતુ આ બસ બોરસદ ડેપોમાં જતી નથી. જેથી મુસાફરોને મોડી રાત્રે આણંદ ચોકડી ઉપર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. એકલી મહિલા ઉભી હોય ત્યારે તેની સુરક્ષાના પણ સવાલો ઉભા થાય છે. તેમજ ચોરીનો ઘટનાનો પણ ડર રહે છે. જેથી બોરસદમાં રહેતા સૌરાષ્ટ્રના લોકોમાં માંગ ઉઠવા પામી છે કે, તમામ બસ રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં આવે તો સલામતી અને સુરક્ષા મળે અને વતન જવામાં સરળતા રહે.

