ચોટીલામાં સાંજના સમયે બસ હાઇવે પર ઉભી રહેતી મુસાફરોને હાલાકી
- મહિના પહેલા જ નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું હતું
- હાઇવે પર આડેધડ એસટી બસ ઉભી રહેતા ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની
ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ અને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે એક મહિના પહેલા કરોડાના બનેલા નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ નવનિર્મિત બસ સ્ટેન્ડમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઉભી રહે છે પરંતુ સાંજના સમય બાદ એક પણ એસટી બસ બસ સ્ટેન્ડમાં ઉભી રહેવાને બદલે હાઈવે પર જ મનફાવે ત્યાં ગમે ત્યાં ઉભી રાખવામાં આવે છે.
જેના કારણે ટ્રાફિકજામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમોનું ઉલંધ્ધન પણ થતું હોવાનું સામે આવ્યું છે. આથી આ અંગે ઉચ્ચ કક્ષાએથી ચેકિંગ હાથ ધરી જવાબદાર એસટી ડેપોના અધિકારીઓ સહિતનાઓને કડક સુચનાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.