ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી

- અગાઉ સિટી બસના 8 રૂટ શરૂ હતા, હાલ એક પણ રૂટ પર સિટી બસ જોવા મળતી નથી
- સિટી બસ સેવા બંધ કરાતા મુસાફરોને ભારે હાલાકી, લોકોને ફરજીયાત વધુ ભાવ ચુકવીને રિક્ષામાં મુસાફરી કરવી પડે છે
ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ માસથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. અગાઉ ૮ રૂટ પર સિટી બસ ચાલતી હતી અને ત્યારબાદ માત્ર ર રૂટ પર સિટી બસ શરૂ રાખવામાં આવ્યા હતા, આ રૂટ પર મુસાફરો ઓછા મળે છે તેવુ બહાનુ કાઢીને સિટી બસ સેવા છેલ્લા પાંચ માસથી ઠપ્પ કરી દેવામાં આવી છે તેથી મુસાફરોને ફરજીયાત વધુ ભાવ ચુકવીને રિક્ષામાં જવુ પડે છે તેથી મુસાફરો કચવાટ કરતા નજરે પડતા હોય છે. ૧૦૦ ઇ-બસ કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર મહાપાલિકાને આપવામાં આવશે તેવી વાતો લાંબા સમયથી થઈ રહી છે પરંતુ હજુ એક પણ ઇ-બસ દેખાતી નથી ત્યારે ઇ-બસ સેવા કયારે શરૂ થશે ? તેની રાહ જોવી જ રહી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકા અને એજન્સીને કેટલીક બાબતે વાંધો પડતા સિટી બસ સેવા બંધ કરવામાં આવી હોવાની ચર્ચા છે પરંતુ અધિકારીઓ દ્વારા આવા કારણ છુપાવવામાં આવે છે અને મુસાફરો મળતા નથી, શાળા-કોલેજોમાં બસ સેવા હોવાથી, ડીઝલના ભાવ વધ્યા છે વગેરે કારણ આપી સિટી બસ બંધ કરવામાં આવી હોવાનુ જણાવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને મૂશ્કેલી પડી રહી છે ત્યારે સિટી બસ સેવા તત્કાલ શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
ઇ-બસ સેવા ડિસેમ્બર માસમાં શરૂ થવાની શકયતા
ભાવનગર શહેરમાં પી.એમ. ઇ-બસ સેવા યોજના હેઠળ ભાવનગર શહેરને ૧૦૦ ઇ-બસ મળશે અને આ સુવિધા ડિસેમ્બર-ર૦રપ માં શરૂ થવાની શકયતા છે. ઇ-બસ સેવા માટે ટોપ થ્રી સર્કલ નજીક સિટી બસ ડેપો આશરે રૂા. ર૩ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી પણ ઘણી પૂર્ણ થઈ ગઈ છે. ઇ-બસ સેવા માટે આશરે ૧૬ રૂટ હાલ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ફેરફાર આવી શકે છે તેમ સુત્રોએ જણાવેલ છે. આ અંગે સત્તાવાર માહિતી મેળવવા માટે મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગના કાર્યપાલક ઇજનેરનો ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શકયો ન હતો.

