મુજમહુડાથી અકોટા માર્ગ ઉપર ભુવો પડતા બસ ફસાઈ, ક્રેનની મદદથી બહાર કાઢી
હલકી કક્ષાની કામગીરીના કારણે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય અને ભુવાઓ પડવાની ઘટનાઓ
શહેરમાં અવારનવાર ભુવાઓ પડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આજે મુજમહુડાથી અકોટા તરફના માર્ગ પર પડેલ ભૂવામાં ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ ફસાઈ હતી. જેના પગલે કર્મચારીઓ ગભરાયા હતા. ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી.
શહેરમાં વરસાદના પ્રારંભે જ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય તેમજ ભુવાઓ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેથી કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઊઠ્યા છે. મુજમહુડાથી અકોટા તરફના માર્ગ ઉપર પસાર થઈ રહેલ ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસનું આગળનું પૈડું અચાનક ભૂવામાં ખૂંપી જતા કર્મચારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. શહેર કોંગ્રેસ મહામંત્રીએ આ ઘટના મામલે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી માર્ગની કામગીરી હલકી કક્ષાની હોવાથી આ ઘટના ઘટી હોવાના આક્ષેપ કર્યા હતા. ઘટનાના પગલે માર્ગ ઉપર હળવો ટ્રાફિકજામ રહ્યો હતો. અને ક્રેનની મદદ વડે બસને બહાર કાઢવામાં આવી હતી. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ગઈકાલે નટુભાઈ સર્કલ પાસે ભૂવામાં કાર ફસાઈ જતા ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી. તંત્રના પાપે માર્ગ ઉપર ભુવા પડતા નાગરિકોને પોતાના વાહનો બહાર કાઢવા ક્રેનના ખર્ચ ચૂકવવાની નોબત આવી રહી છે.