Get The App

સળગી ગયેલા રિક્ષાચાલકે દોડીને ટ્રેક્ટરમાં ચડી મહિલાને બાથ ભરી

રિક્ષાચાલકનું સયાજી હોસ્પિટલમાં મોત ઃ યુવાનના રહસ્યમય મોત અંગે પોલીસે હાથ ધરેલી તપાસ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
સળગી ગયેલા રિક્ષાચાલકે દોડીને ટ્રેક્ટરમાં ચડી મહિલાને બાથ ભરી 1 - image

સાવલી તા.૧૧ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે ૪૦ વર્ષના એક યુવકને  જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દેતા ચકચાર મચી છે. યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ લસુન્દ્રા ગામમાં રહેતો ઉદેસિંહ  અભેસિંહ  ચૌહાણ ઉર્ફે વિજય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. આજે બપોરે ૧૧ વાગ્યાના સુમારે લસુન્દ્રા ગામના સ્મશાન પાસે કેટલાક શખ્સોએ મોઢા પર સાડી ઓઢાડી પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દીધો હતો. સળગતી હાલતમાં ઉદેસિંહ ઉર્ફે વિજય દોડયો હતો અને સામેથી આવતા ટ્રેક્ટર પર બચવા માટે ચડી જઇ સંગીતા વિષ્ણુભાઇ તબાવિયા નામની ૨૯ વર્ષની મહિલાને બાથ ભરી લેતા તે પણ દાઝી ગઇ હતી.

આ બનાવને પગલે ગામમાં ચકચાર મચી ગઇ  હતી જ્યારે યુવાનના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઉદેસિંહ તેમજ સંગીતાને સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ઉદેસિંહ ઉર્ફે વિજયનું સાંજે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ અબ્દુલ વ્હોરા તેમજ આરીફ સહિત ત્રણ શખ્સો સામે આક્ષેપો કર્યા હતાં. બીજી  બાજુ યુવકને સળગાવી દેવાયો કે જાતે સળગી ગયો તે અંગે પણ હજી રહસ્ય જ છે.

ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ મૃતક ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો હતો તેની અદાવતમાં આ ઘટના બની છે જ્યારે બીજી બાજુ પ્રેમપ્રકરણની શક્યતા પણ જોવાઈ રહી છે. લસુન્દ્રા ગામના યુવાનના મોત અંગે અનેક રહસ્યો છે જે પોલીસની ઉંડી તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. 



Tags :