Gujarat

જાફરાબાદનું 'સફેદ સોનું': 'બૂમલા' માછલીએ જાફરાબાદને વૈશ્વિક નકશા પર અપાવ્યું સ્થાન, વાર્ષિક 450 કરોડનો વેપાર

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ હવે માત્ર માછીમારોનું નાનકડું ગામ નથી રહ્યું, પરંતુ તે કરોડોની કમાણી કરતું એક મોટું આર્થિક કેન્દ્ર બની ગયું છે. જાફરાબાદ બંદરથી દર વર્ષે આશરે 450 કરોડ રૂપિયાનો માછલીનો વેપાર થાય છે. ખાસ કરીને અહીંની પ્રખ્યાત 'બૂમલા' માછલી (Bombay Duck) એ જાફરાબાદના નામને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં ચમકતું કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાફરાબાદનું 'સફેદ સોનું': 'બૂમલા' માછલીએ જાફરાબાદને વૈશ્વિક નકશા પર અપાવ્યું સ્થાન, વાર્ષિક 450 કરોડનો વેપાર

Amreli News : અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ હવે માત્ર માછીમારોનું નાનકડું ગામ નથી રહ્યું, પરંતુ તે કરોડોની કમાણી કરતું એક મોટું આર્થિક કેન્દ્ર બની ગયું છે. જાફરાબાદ બંદરથી દર વર્ષે આશરે 450 કરોડ રૂપિયાનો માછલીનો વેપાર થાય છે. ખાસ કરીને અહીંની પ્રખ્યાત 'બૂમલા' માછલી (Bombay Duck) એ જાફરાબાદના નામને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં ચમકતું કર્યું છે.

વૈશ્વિક બજારમાં ‘બૂમલા’નો દબદબો

જાફરાબાદની દરિયાઈ સંપત્તિ વિશ્વભરમાં જાણીતી છે. અહીં પકડાતી બૂમલા માછલીની દેશ અને વિદેશમાં ભારે માંગ રહે છે. જાફરાબાદ બંદરથી આશરે 50 નોટિકલ માઈલ દૂર ઊંડા દરિયામાં આ માછલી પકડવામાં આવે છે. માછીમારો જણાવે છે કે આ વ્યવસાય સમગ્ર વિસ્તારની આર્થિક કરોડરજ્જુ સમાન છે.


કેવી રીતે થાય છે પ્રોસેસિંગ?

જાફરાબાદના અનુભવી સાગરખેડૂ હમીર સોલંકી, જેઓ છેલ્લા 30 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ જણાવે છે કે, જાફરાબાદ બંદરે હાલમાં અંદાજે 700 જેટલી બોટો કાર્યરત છે. 5,000 થી વધુ લોકો પ્રત્યક્ષ રીતે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારો 10 દિવસ સુધી દરિયામાં રહી માછલી પકડીને કિનારે લાવે છે. બૂમલા માછલીનું સૌથી મોટું બજાર 'સૂકવેલી માછલી' (Dry Fish) નું છે, તેથી તેને ખાસ પદ્ધતિથી કિનારે સુકવવામાં આવે છે.


નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણની કમાણી

એકવાર માછલી સુકાઈ જાય પછી તેના બંડલ બનાવીને પેક કરવામાં આવે છે. આ માછલીઓ જળમાર્ગે કે રેલવે મારફતે બિહાર, ઓડિશા, કલકત્તા અને મુંબઈ મોકલવામાં આવે છે. ત્યાંથી તેને શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.


સીઝન અને આર્થિક સમીકરણો

માછીમારીની સીઝન મુખ્યત્વે 4 થી 6 મહિના (નવેમ્બર થી એપ્રિલ) સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ હવામાન માછીમારી માટે સાનુકૂળ હોય છે.

બોટ દીઠ કમાણી: એક બોટ સરેરાશ 5 લાખ થી 8 લાખ રૂપિયા સુધીનો માલ દરિયામાંથી લાવે છે.

ભાવમાં તફાવત: ગુણવત્તા અને નિકાસ બજાર મુજબ, 1 કિલોગ્રામ બૂમલા માછલીનો ભાવ 500 થી લઈને 4,000 રૂપિયા સુધી પહોંચે છે.


આ પણ વાંચો: અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો

રોજગારીનું મોટું કેન્દ્ર

બૂમલા માછલીના નિકાસથી માત્ર જાફરાબાદ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આર્થિક લાભ થાય છે. વિદેશી માંગ વધવાથી સ્થાનિક માછીમારો માટે રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે અને અનેક માછીમારો આ વ્યવસાય થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

આજે જાફરાબાદ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે દરિયાઈ સંપત્તિ અને સ્થાનિકોની મહેનત એક નાના શહેરને વૈશ્વિક વેપારનું કેન્દ્ર બનાવી શકે છે.