શહેરના નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરની અને મોડીફાઇડ સાઇલેન્સર વાળી બુલેટના ચાલકે ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ ટ્રાફિક એસપીની કચેરી ખાતે પણ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા રાવપુરા પોલીસે ફરિયાદના આધારે સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે સવારે શહેરના નર્સિંગ હોમ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક બુલેટ બાઈક ચાલક ટ્રાફિક સિગ્નલ પાસે ઊભો રહી મોબાઈલ ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન બુલેટ બાઈક પર આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવા સાથે મોડીફાઇડ સાઈલેન્સર લગાવેલું હોવાનું બહાર આવ્યું હતું.
ટ્રાફિક પોલીસે વાહન સાઈડમાં લેવા જણાવતા બુલેટ ચાલકે પોલીસકર્મી સાથે રકઝક શરૂ કરી હતી. પૂછપરછમાં યુવકે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેને નજીક હાજર સિનિયર અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું.
આ દરમ્યાન બુલેટ ચાલક અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને હું આ બુલેટનો માલિક છું, હું ક્યાંય જવાનો નથી, તમારાથી થાય તે કરી લો. મારા પપ્પા CISFમાં નોકરી કરે છે, તમારી વર્ધી ઉતરાવી દઈશ જેવા ઉદ્ધત નિવેદનો આપ્યા હતા. યુવકે પોલીસકર્મીઓનો વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી મોટા અવાજે શોર મચાવી ગાળો બોલી ઝપાઝપી કરી હતી.
બાદમાં સયાજીગંજ ટ્રાફિક ઓફિસ ખાતે હાજર ઉચ્ચ પોલીસ અધિકારી સામે પણ બુલેટ ચાલકે ઉદ્ધતાભર્યું વર્તન કર્યું હતું. આ દરમિયાન બુલેટ ચાલકના માતા-પિતા તથા ભાઈએ તેનું ઉપરાણું લઈ, સ્ટાફ દ્વારા રોકવાનો પ્રયાસ છતાં તેને સાથે લઈ ગયા હતા.
પોલીસ સ્ટાફને ગાળો આપી ઉગ્ર વર્તન કરી પોલીસકર્મીની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી. તેવી ટ્રાફિક પોલીસકર્મીની ફરિયાદના આધારે પોલીસે બુલેટ ચાલક કૌશલસિંહ વિરેન્દ્રસિંહ જાટ (રહે. આમ્રપાલી રેસીડેન્સી, બાજવા રોડ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ આ સમગ્ર મામલે કૌશલસિંહ વિરેન્દ્રસિંહ જાટના આક્ષેપ છે કે, હું સ્થળ પર દંડ ભરવા તૈયાર હતો, પરંતુ પોલીસકર્મીએ બાઈક ડિટેઇન કર્યું હતું, સયાજીગંજ ટ્રાફિક કચેરી ખાતે મને લઈ જતી વખતે બે પોલીસ કર્મચારીઓએ પોલીસ વાનમાં માર્યો છે. આ ઉપરાંત સયાજીગંજ ટ્રાફિક કચેરીમાં પણ પોલીસે મને માર મારતા ઈજા પહોંચી છે. હું હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છું.


