છોટા ઉદેપુરમાં ભાજપ નેતાના ભત્રીજાની દાદાગીરી, કર્મચારીને મારતાં તા.પં.કચેરીને તાળા મારી દેવાયા
Chhota Udaipur News: છોટા ઉદેપુરના ભાજપના માજી સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાએ ક્વાંટ તાલુકા પંચાયતના એક કર્મચારીને માર મારતા સમગ્ર સ્ટાફ કચેરીને તાળા મારીને જિલ્લા વિકાસ અધિકારી પાસે ફરિયાદ કરવા પહોંચી ગયો હતો.
પોલીસની ફરિયાદ નોધવા બહાનાબાજી
ક્વાંટ તાલુકા પંચાયત કચેરીમાં ગુરૂવાર (27મી ફેબ્રુઆરી)ની સાંજે પહોંચી ગયેલા છોટા ઉદેપુરના ભાજપના માજી સાંસદના ભત્રીજાએ આવાસ યોજનાની ડેટા એન્ટ્રીના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીની સામે જ એક કર્મચારીને માર મારતાં સમગ્ર કચેરીના કર્મચારીઓ ભેગા થઈ ગયા હતાં. આ ઘટનાના ઉગ્ર પડઘાં પડ્યા હતાં. ત્યારબાદ ગઇકાલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તાલુકા પંચાયતની કચેરીને તાળા મારી કર્મચારીઓ જિલ્લા વિકાસ અધિકારી પાસે ભાજપના નેતાના ભત્રીજાની ફરિયાદ કરવા પહોંચી ગયા હતાં.
ડીડીઓએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા પોલીસને જાણ કરી હતી તેમ છતાં પોલીસ સ્ટેશન દ્વારા કોઇ ફરિયાદ લેવામાં આવી ન હતી. માર મારવાની ઘટના બાદ ગઇકાલે આખો દિવસ તાલુકા પંચાયત કચેરીને તાળા વાગેલા રહ્યા હતાં. કર્મચારીઓ પણ કામગીરીથી દૂર રહેતા લોકોને ધક્કા ખાવા પડ્યા હતાં. જો કે ભાજપના નેતાના ભત્રીજાના દાદાગીરી સામે ભારે રોષ હોવાથી કર્મચારીઓ પણ મક્કમ હતાં. પોલીસે ભાજપના નેતા સામે કોઇ કાર્યવાહી નહીં કરતા આખરે ડીડીઓએ ડીએસપીને પણ ફરિયાદ કરવી પડી હતી. ભાજપના નેતાઓ તેમજ તેમના સંબંધીઓની દાદાગીરીથી ભય હેઠળ કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે મોડી રાત્રિ સુધી ઓફિસમાં બેસીને આવાસોના સર્વેનું કામ કરીએ છીએ અને જોબ કાર્ડ લાભાર્થીઓને ઇસ્યૂ કરાય છે, જો આવી રીતે આવીને નેતાઓ અમને મારી જાય તો અમારી જાનને જોખમ છે.