Gujarat

નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા

By GS TEAM
9 Oct 20252 mins read
નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા

- હાઈકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે સુનાવણી દરમિયાન

- બિલોદરા ફાટક પાસે બે આખલાંએ હાઈવેને બાનમા લીધો  નડિયાદ મનપાની પશુ નિયંત્રણ કામગીરી સામે સવાલો

નડિયાદ : ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરની સમસ્યા મામલે આજે સુનાવણી ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ નડિયાદ શહેરમાં નડિયાદ-કપડવંજ હાઈવે ઉપર બિલોદરા ફાટક નજીક બે આખલા જાહેર માર્ગ પર જ બાખડયા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.

નડિયાદ મહાનગરપાલિકાની હદમાં આવેલા બિલોદરા ફાટક પાસેના મુખ્ય હાઈવે ઉપર બે આખલા યુદ્ધે ચઢ્યા હતા. આખલા લડતા લડતા મુખ્ય રોડ ઉપર આવી ગયા હતા. ત્યારે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાઈવેની વચ્ચે આખલા યુદ્ધ શરૂ થતાં વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દેવાની ફરજ પડી હતી. દરમિયાન કોઈ વ્યક્તિ કે વાહન આખલાંની અડફેટે આવી જાય તો ગંભીર અકસ્માત થવાની સંભાવના હતી. 

નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. છતાં મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નક્કર પગલાં લેવાતા નથી. આજના બનાવ બાદ નડિયાદ મહાનગરપાલિકાની પશુ પકડવાની ટીમની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર પણ જો ઢોરની હાજરી આટલી મોટી સંખ્યામાં હોવાથી મહાનગરપાલિકા ઢોર નિયંત્રણની કામગીરીમાં નિષ્ફળ રહી છે. અગાઉ પણ નડિયાદ શહેરમાં રખડતા ઢોરોની અડફેટે લોકોએ જીવ ગુમાવ્યાના બનાવો બન્યા છે. લોકોની સલામતી માટે તાત્કાલિક અસરથી આ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લવાય તેવી માંગણી ઉઠી છે.