વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ ખોરંભે
માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોગ્ય જમીન ફાળવવા ગલ્લાતલ્લાં ઃ પત્ર વ્યવહારોમા સમય પસાર કરતું તંત્ર
વડોદરા, તા.7 કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂરો ના થાય તેમ લાગી રહ્યું છે. વડોદરામા શાસ્ત્રી બ્રિજ પાસેની માર્ગ અને મકાન હસ્તકની જમીન રાજ્ય સરકારે માંડ માંડ આપ્યા બાદ હવે બુલેટ ટ્રેનના સંભવિત સ્ટેશન પાસે બહુમાળી ચાર માળના પાર્કિગ માટેનું કોઇ કામ ના થઇ શકતાં પ્રોજેક્ટમાં વિલંબ થાય તેવી શક્યતા છે.
માર્ગ અને મકાન વિભાગના હસ્તક શાસ્ત્રી બ્રિજ પાસેની કુલ ૨૪૩૭૮.૪૮ ચો.મી. જમીનનો લગભગ ઉપયોગ થતો નથી અને આ જમીન બુલેટ ટ્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાની હોવાથી કુલ જમીન પૈકી કેટલીક જમીન રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી હતી.
વર્ષોના પત્ર વ્યવહારો બાદ આખરે ગયા વર્ષે માર્ગ અને મકાન વિભાગની ૧૭૯૦૮.૪૮ ચો.મી. જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સોંપવામાં આવી હતી અને બાકીની ૬૪૭૦ ચો.મી.જમીન માર્ગ અને મકાન વિભાગ હસ્તક રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ જમીન ફાળવવામાં આવી નથી તે જગ્યા પર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રવાસીઓનો ડ્રોપ ઓફ એરિયા બનવાનો છે મલ્ટી લેવલ કાર પાર્કિગના પ્લાન માટે ખરેખર જે જમીનની જરૃર છે તે જમીન તો માર્ગ અને મકાન વિભાગે પોતાના હસ્તક જ રાખી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જગ્યા દક્ષિણ તરફ લેવા વિનંતી કરવામાં આવી છે પરંતુ તેને માર્ગ અને મકાન વિભાગ ગણકારતું જ નથી અને પત્ર વ્યવહારોમાં સમય પસાર થઇ રહ્યો છે. બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના કામોમાં વિલંબ થઇ રહ્યો છે.