બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇફેક્ટ : વડોદરામાં રામચંદ્ર બિલ્ડીંગના રહીશોના મકાનો ખાલી કરાવી જર્જરિત હાલતમાં પરત સોંપ્યા : ફેબ્રુઆરી માસથી ભાડું બંધ કરી દીધું
Vadodara Bullet Train Project : બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે ત્યારે સયાજીગંજ વિસ્તારમાં આવેલ રામચંદ્ર બિલ્ડીંગના રહીશોને ભાડું ચૂકવી અવેજીમાં મકાન ખાલી કરી દેવાયા બાદ છેલ્લા છ મહિનાથી ભાડું બંધ કરીને ખખડધજ હાલતના મકાનમાં ફરી રહેવાનું જણાવીને રીપેર નહીં કરી આપીને તમારાથી થાય તે કરી લેવાનું કહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તેજ ગતિથી ચાલી રહ્યો છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ રામચંદ્ર બિલ્ડીંગના રહીશોને ટ્રેન પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવાયું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બાજુમાં તમારા મકાન આવેલા છે. થોડો સમય તમારે મકાનો ખાલી કરી અન્યત્ર રહેવા જવું પડશે. તમને યોગ્ય ભાડું પણ આપવામાં આવશે. આવો કોન્ટ્રાક્ટ માત્ર છ મહિના માટેનો હતો છતાં પણ વારંવાર રીન્યુ કરાયો હતો. પ્રતિવાસ ભાડું પણ ચૂકવાતું હતું. પરંતુ ગત ફેબ્રુઆરીથી ભાડું મળવાનું બંધ થઈ ગયું હતું. ઉપરાંત કોન્ટ્રાક્ટરો દ્વારા મકાનોમાં રહેવા આવી જાઓ તેવું કહ્યું હતું પરંતુ મકાનો જર્જરીત અવસ્થામાં હોવાથી પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે કોન્ટ્રાક્ટરને કહેતા તેમણે તમને આપેલા નિયમિત ભાડામાંથી રીપેરીંગ કરાવો અન્યથા તમારાથી થાય તે કરી લેજો એવી ધમકી પણ ઉચ્ચારીઓ હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે. પરિણામે સ્થાનિકોએ પીએમ પોર્ટલ પર ફરિયાદ પણ કરવામાં આવી હતી.