સરકારી જવાબ મળ્યો હવે જોઇ લઇશું બુલેટ ટ્રેન માટે સરકારી જમીન નહી મળતા દિલ્હીથી અધિકારીઓ દોડયા
બુલેટ ટ્રેનના સ્ટેશન માટે જમીનના રૃા.૧૭૪.૪૦ કરોડ ચૂકવ્યા છતાં કબજો સોંપવા અખાડા
વડોદરા, તા.17 બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાની સરકારી જમીનનો કબજો નહી મળતાં આખરે દિલ્હીથી પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા પરંતુ સરકાર પાસેથી કોઇ યોગ્ય જવાબ નહી મળતા આખરે નિરાશ થવું પડયું હતું.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન જ્યાં બનવાનું છે તેમજ પાર્કિગ અને ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ થવાનું છે તે જમીન માર્ગ અને મકાન હસ્તક આવેલી છે. આ પ્રોજેક્ટ માટે ૧૭૯૦૮ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે અને તે માટે રૃા.૧૭૪.૪૦ કરોડ એપ્રિલ ૨૦૨૪માં સરકારમાં જમા પણ કરાવી દેવાયા છે પરંતુ ત્યારબાદ હજી સુધી જમીનનો કબજો પ્રોજેક્ટ માટે નહી સોંપાતા કામ અટકી ગયું છે.
છેલ્લા બે વર્ષથી જમીન માટે પત્રવ્યવહાર કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ થાકી ગયા છે અને આજે પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદિપ શર્મા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દિલ્હીથી વડોદરા દોડી આવ્યા હતાં. તેઓ સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા હતા પરંતુ જમીનનો કબજો રાજ્ય સરકાર પાસે જ છે અને હજી સુધી સોંપાયો નહી હોવાથી સ્થળ પરથી જ રાજ્ય સરકારના અધિકારીઓને ફોન કરી સ્ટેટસ જાણવાનો પ્રયત્ન કરવા છતા જોઇ લઇએ છે તેવો સરકારી જવાબ મળ્યો હતો.
બુલેટ ટ્રેનના અધિકારી દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવને ફોન કરતા તેમણે મારે ઘણા કામો હોય છે હું જોઇ લઇશ તેવો જવાબ મળ્યો હતો જ્યારે અધિક્ષક ઇજનેરને પણ ફોન કરી સ્ટેટસ જાણવાનો પ્રયત્ન કરતા ત્યાંથી પણ યોગ્ય રિસ્પોન્સ મળ્યો ન હતો. બુલેટ ટ્રેનનું કામ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની આડોડાઇના કારણે અટવાઇ જતા દિલ્હીથી આવેલા પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ નિરાશ થવુ પડયું હતું.